નીતિ આયોગની બેઠક થઈ હતી, જેમાં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો જોકે, ૭ રાજ્યોના સીએમ આ બેઠકમાં ગેરહાજર દેખાયા, જેમાં નીતિશ કુમારનો પણ સામેવેશ થાય છે.
શનિવારે નવી દિલ્હીમાં નીતિ આયોગની નવમી બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિપક્ષના ૭ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો ન હતો. તો સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ આ બેઠકમાં ભાગ લીધો ન હતો. નીતિશ કુમારની પાર્ટી જેડીયુ એનડીએની સહયોગી છે. જોકે, બિહારના બંને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા.
જેડીયુએ કારણ આપ્યું
જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું છે કે, આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે નીતિશ કુમાર પહેલા પણ નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા ન હતા અને બિહારનું પ્રતિનિધિત્વ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. નીરજે કહ્યું કે, આ વખતે પણ બંને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી ગયા છે.
મુખ્યમંત્રી અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા – કેસી ત્યાગી
નીરજ કુમારે કહ્યું કે, બિહારના ચાર કેન્દ્રીય મંત્રીઓ પણ નીતિ આયોગના સભ્ય છે અને બેઠકમાં હાજર રહ્યા. તેથી કશું કહેવાની જરૂર નથી. જેડીયુના મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું કે, મુખ્યમંત્રી અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા નથી અને તેની પાછળ કોઈ રાજકીય કારણ નથી. તેમણે કહ્યું કે, અમે બજેટ અને નીતિ આયોગની બેઠકથી ઉત્સાહિત છીએ.