ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. ૭૧ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
૧૯૭૦-૮૦ના દાયકામાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા હતા અને લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ટીમ પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ અને સંદીપ પાટિલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી હતી. જે બાદ BCCI દ્વારા ૧૫ દિવસ અગાઉ જ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી હતી.
ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે કોચિંગમાં પોતાનું કરિયર આગળ વધાર્યું હતું. ૧૯૯૭-૯૯ દરમિયાન તેઓ ટીમના હેડ કોચ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે GSFCમાં પણ કામ કર્યું હતું.
નોંધનીય છે કે જૂન ૨૦૧૮માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.