વડગામ અને છાપી નજીક તેનીવાડા ગામ પાસે એક બ્રિજ પર કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં મહેસાણાના ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બનાસકાંઠાના વડગામ તાલુકામાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કહેવાય છે કે, મહેસાણાનો સુથાર પરિવાર રણુજા દર્શન કરવા ગયો હતો, અને રિટર્ન ફરી રહ્યો હતો તે સમયે અકસ્માત સર્જાયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના વડગામ તાલુકાના તેનીવાડા પાસે અધુરિયા બ્રિજ પાસે આજે સવારે એક સ્વિફ્ટ કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત સમયે પાંચ લોકો કારમાં સવાર હતા. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે સિદ્ધપુર ખસેડવામાં આવ્યા હતા.
વિગતે ઘટનાની વાત કરીએ તો, વડગામ તાલુકાના તેનીવાડા નજીક અધુરિયા બ્રિજ પર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ રણુજા તરફથી આવી રહેલી GJ૦૨ પાર્સિંગની સ્વિફ્ટ કાર ધડાકાભેર બ્રિજના ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કારના આગળના ભાગના ફૂરચા બોલી ગયા હતા. તથા એરબેગ ખુલી ગઈ હતી, તો પણ ત્રણ લોકોનો જીવ બચી ન શક્યો.
અકસ્માતની જાણ અન્ય વાહન ચાલકોને થતા લોકો ભેગા થઈ હતા અને પોલીસને જાણ કરી ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, ત્રણ લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. અને બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સ્થળ છાપી પોલીસ સ્ટેશન અંતર્ગતા આવતા છાપી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
છાપી પીએસઆઈ અને તપાસ અધિકારી એચ પી દેસાઈ એ જણાવ્યું હતું કે, વહેલી સવારે ૦૪:૦૦ વાગે અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું કે, રોડ સારો છે, સામે અન્ય કોઈ વાહન પણ નથી જેથી કાર ચાલકને ગાડી ચલાવતા ઝોકુ આવી ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સમજાઈ શકે છે.

પોલીસ સૂત્રો અનુસાર, કાર રણુજા તરફથી આવી રહી હતી અને મહેસાણા તરફ જઈ રહી હતી, તો અકસ્માત સ્થળે થી રણુજા લગભગ ૪૫૦ કિમી જેટલું દૂર છે, આખી રાત ગાડી ચલાવી આવતા ઝોકુ આવ્યું અને કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હોઈ શકે છે.
સૂત્રો અનુસાર, અકસ્માતનો ભોગ બનનાર સુથાર પરિવાર મૂળ ગંભુ ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે હાલ મહેસાણા દેદિયાસણ ખાતે ગોકુલધામ ફ્લેટ ખાતે રહેતો હતો. અકસ્માતની જાણ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પોલીસે જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનનાર લોકો મહેસાણાના રહેવાસી છે. જેમાં મતકોમાં ૧. વિનુભાઈ ચીમનલાલ સુથાર, ૨. ગીતાબેન વિનુભાઈ સુથાર અને ૩. સંજયભાઈ ચંદુભાઈ સુથારનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોમાં સુમિત્રાબેન સંજયભાઈ સુથાર, ધાર્મિક સંજયભાઈ સુથારનો સમાવેશ થાય છે.
પીએસઆઈ એચ કે દેસાઈએ વધુમાં જણાવ્યું કે, અકસ્માત બાદ ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે સિદ્ધપુર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત ગંભીર જણાતા મહેસાણા લાયન્સ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર, હવે ઘાયલોને એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.