નીતિન ગડકરીએ ભગવંત માનને પત્ર લખીને કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં દિલ્હી-અમૃતસર-કટરા-એક્સપ્રેસ વે પર ઘણી હિંસક ઘટનાઓ બની છે.
પંજાબમાં થઇ રહેલી હિંસક ઘટનાઓની અસર હાઇવે પ્રોજેક્ટ્સ પર પણ પડી રહી છે. આ ઘટનાને લઇને કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ચેતવણી આપી છે. નીતિન ગડકરીએ ભગવંત માનને પત્ર લખીને કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. તેમણે કહ્યું હતું કે જો આમાં સુધારો નહીં થાય તો NHAI આઠ હાઇવે પ્રોજેક્ટ્સ રદ કરશે.
પંજાબમાં NHAI ના ૮ ચાલુ પ્રોજેક્ટ્સ
છેલ્લા કેટલાક મહિનાઓમાં દિલ્હી-અમૃતસર-કટરા-એક્સપ્રેસ વે પર ઘણી હિંસક ઘટનાઓ બની છે. જેને લઇને નીતિન ગડકરીએ ભગવંત માનને પત્ર લખ્યો છે. પંજાબમાં આઠ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેની કુલ કિંમત ૧૪,૨૮૮ કરોડ રૂપિયા છે. દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વેના નિર્માણ દરમિયાન કામને રોકવા માટે ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ જોવા મળી હતી.
આ એક્સપ્રેસ વે દિલ્હીથી માતા વૈષ્ણો દેવી કટરા સુધી બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ તેનો એક ભાગ અમૃતસર સાથે પણ જોડાશે. આ પ્રોજેક્ટ દરમિયાન એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે નીતિન ગડકરીએ નારાજગી વ્યક્ત કરી છે. લુધિયાણામાં પણ પ્રોજેક્ટ અધિકારીઓને ધમકી આપવામાં આવી છે કે આ કામમાં લાગેલા સ્ટાફને નુકસાન પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરવાની જરૂર છે: નીતિન ગડકરી
પત્રની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ હુમલાની તસવીરો પણ ભગવંત માનને મોકલી છે. તેમણ કહ્યું કે મુખ્યમંત્રીએ સીધી રીતે હસ્તક્ષેપ કરવાની જરૂર છે. નીતિન ગડકરીએ વિનંતી કરી હતી કે કડક એક્શન લેવામાં આવે અને એફઆઈઆર નોંધીને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે.
એક મહિના અગાઉ હાઇવે પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક મળી હતી અને કાયદો અને વ્યવસ્થા અને જમીન સંપાદનના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન નીતિન ગડકરીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, જમીન સંપાદનના બાકી મુદ્દાઓને કારણે કોન્ટ્રાક્ટરોને ઘણી જગ્યાએ નિશાન બનાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો અમારે પ્રોજેક્ટ રદ કરવો પડશે કારણ કે અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી.