૩૦ જુલાઈના રોજ કેરળના વાયનાડમાં ભૂસ્ખલને ભારે વિનાશ સર્જ્યો હતો. આ ભયંકર કુદરતી આપત્તિમાં અત્યારસુધી ૪૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૫૦ જેટલા લોકો હજુ પણ ગુમ છે. આપત્તિનો ભોગ બનેલા પીડિતો હજુ પણ આઘાતમાં છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારો ઉપરાંત પીડિતો સાથે મુલાકાત કરી હતી. પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત દરમિયાન પીએમ મોદી એક અસરગ્રસ્ત શાળાની હાલત જોઇ ભાવુક થઇ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેલ્લારમાલામાં એક અસરગ્રસ્ત શાળાની પણ મુલાકાત લીધી હતી, ત્યારે શાળાની દશા જોઇ તેઓ ભાવુક થઇ ગયા હતા. તેમણે સીએમ વિજયનથી પુછ્યું કે, આ આપત્તિમાં કેટલા બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે. અહેવાલ મુજબ, આ શાળામાં ૫૮૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતા, જેમાંથી ૨૭ વિધાર્થીઓ કથિત રીતે ગુમ છે. પ્રધાનમંત્રીએ આ શાળામાં ૧૫ મિનિટ પસાર કરી અને શાળાના પુનઃ નિર્માણ કરવા અંગેની યોજના વિશે જાણકારી પણ મેળવી હતી.
પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કર્યું
કેરળ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કેરળના ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન સાથે પુંચિરિમટ્ટમ, મુડક્કઇ અને ચૂરલમાલાના સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોનું પણ નિરીક્ષણ કર્યું હતું. જાણકારી મુજબ, હવાઇ સર્વેક્ષણ કર્યા બાદ વડાપ્રધાને જ્યાં પીડિતોની સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતીય સેના દ્વારા બનાવેલા ૧૯૦ ફૂટ ઉંચા બ્રિજની પણ મુલાકાત કરી હતી તેમજ સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ સમિક્ષા બેઠક યોજી
પીએમ મોદીએ આજે આ ભયંકર કુદરતી આપત્તિ અંગે સમિક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. જેમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઇ વિજયન અને કેરળના અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. આ બેઠકમાં પીએમ મોદીએ સમગ્ર ઘટનાક્રમના કારણ અને ત્યારબાદથી અત્યાર સુધી તંત્રએ લીધેલા પગલા અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાને કેરળની મુલાકાત કર્યાના એક દિવસ પહેલાં જ કેરળ સરકારે રાહત કાર્ય માટે કેન્દ્ર સરકાર પાસેથી ૨૦૦૦ કરોડની નાણાકીય સહાયની માગ કરી હતી. ઉપરાંત કેન્દ્ર સરકાર આ આપદાને રાષ્ટ્રીય અને ગંભીર આપદા જાહેર કરે તેવી આશા પણ વ્યકત કરી હતી.