આરએસએસ મુખપત્ર પાંચજન્યના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે, જો ભારત અને તેના સ્વાભિમાનને તોડવું હોય તો સૌથી પહેલા જ્ઞાતિ પ્રથાને બંધન ગણાવી જ્ઞાતિની એકતાની સાંકળને તોડવી જોઈએ.
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે હાલમાં જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જાતિ પૂછી હતી અને તેને લઇ વિવાદ થયો હતો. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર પાંચજન્યના નવા અંકમાં જ્ઞાતિ પ્રથાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આરએસએસની પત્રિક પંચજન્યના તંત્રીલેખમાં જ્ઞાતિ પ્રથાને ભારતીય સમાજને સાથે રાખવાનું કારણ” ગણાવ્યું છે. પંચજન્યમાં કહેવાયું છે કે, મુઘલ શાસકો તેને સમજી શકતા નથી અને બ્રિટિશરો એ તેને ભારત પરના આક્રમણના માર્ગમાં અવરોધ માન્યો હતો.
પંચજન્યના સંપાદક હિતેશ શંકર દ્વારા લખાયેલા આ તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, જ્ઞાતિ પ્રથા એક એવી સાંકળ છે જે ભારતના વિવિધ વિભાગોને તેમનો વ્યવસાય અને પરંપરાઓ અલગ હોવા છતાં એક સાથે રાખે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી મધ્યમ વર્ગીય લોકો જ્ઞાતિ વ્યવસ્થાને ભારતના ચોકીદાર તરીકે જોતા હતા.
મુઘલો, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી જાતિ પ્રથા
હિતેશ શંકરે તંત્રીલેખમાં એવી દલીલ કરી છે કે જ્ઞાતિ પ્રથા હંમેશા આક્રમણખોરોના નિશાના પર રહે છે. મુઘલ શાસકોએ તલવારની અણી પર તેને નિશાન બનાવી હતી અને ખ્રિસ્તી મિશનરીઓએ સેવા અને સુધારણાની આડમાં તેમ કર્યું હતું.
પચનજન્યના તંત્રીલેખમાં લખ્યું છે કે, જો ભારત અને તેના સ્વાભિમાનને તોડવો છે તો સૌથી પહેલા જ્ઞાતિ વ્યવસ્થાને બંધન ગણાવી જાતિની એકતાની સાંકળને તોડવી જોઇએ. મિશનરીઓ આ સમીકરણને મોગલો કરતાં વધારે સારી રીતે સમજતા હતા.
પંચજન્ય દ્વારા જ્ઞાતિ પ્રથાનું યોગ્ય ઠરાવી આવા સમયે મહત્ત્વનું માનવામાં આવે છે જ્યારે આરએસએસને એ સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે કે તે વંચિતો માટે અનામતની વિરુદ્ધ નથી. જ્યારે આરએસએસ એ વારંવાર જાતિ પ્રથાના મૂળને વર્ણ પ્રથા સુધી શોધવાનો પ્રયાસ કર્યો છે.
સંઘ અનામતના સમર્થનમાં છે
આરએસએસ સામાન્ય રીતે જાતિના ભેદભાવ અંગે માફી માંગવાની વાત કરે છે. આરએસએસ એ પણ શરૂઆતથી જ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે.
આરએસએસના વડા મોહન ભાગવતે ઘણી વાર કહ્યું છે કે, જાતિગત ભેદભાવ એ ભારતીય સમાજ માટે અભિશાપ છે અને તેને નાબૂદ કરવો જોઈએ. સંઘ સાથે જોડાયેલા લોકો ક્યારેક એમ કહેતા ગર્વ અનુભવે છે કે તેઓ પોતાના સાથીઓની જાતિ નથી જાણતા. ગયા વર્ષે મોહન ભાગવતે કહ્યું હતું કે ૨૦૦૦ વર્ષ સુધી નીચલી જાતિઓ દ્વારા જે પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડે છે તેની ભરપાઈ કરવા માટે જો 200 વર્ષ સુધી અનામત ચાલુ રાખવામાં આવે તો સંઘ તેનું સમર્થન કરશે.

હિતેષ શંકરે તેમના તંત્રીલેખમાં એવી દલીલ કરી છે કે જ્ઞાતિઓની પેઢીઓ સુધી પહોંચેલી આ એક એવી આવડત હતી જેણે બંગાળના ભારતીય વણકરોને તેમના કામમાં એટલા બધા તેજસ્વી બનાવી દીધા હતા કે માન્ચેસ્ટરની મિલો આવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટનું ઉત્પાદન કરી શકી નથી.
જાતિ જૂથોનું અપમાન થયું
આરએસએસ પત્રિકાના તંત્રીલેખખમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઉદ્યોગોનો નાશ કરવા ઉપરાંત આક્રમણકારોએ ભારતની ઓળખ બદલવા માટે ધર્માંતરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ જ્યારે જાતિ જૂથો આને વશ ન થયા, ત્યારે તેમને અપમાનિત કરવામાં આવ્યા. આ એ લોકો હતા જેમણે સ્વાભિમાની સમુદાયને માનવ મળ-મૂત્રને માથે ચડાવવાની ફરજ પાડી હતી અને આ પહેલાં ભારતમાં આવું બન્યું હોવાની કોઈ નોંધ નથી.
હિતેશ શંકરે લખ્યું છે કે, જે આંખ ભારતની પેઢીઓની પ્રતિભા જોઇ ઇર્ષાભાવ અનુભવે છે, આ જ આંખ હિંદુ ધર્મની વિવિધતા, પરંપરાઓ અને રીતરિવાજોને નષ્ટ કરવાનું સપનું જુએ છે.
કોંગ્રેસ પર હુમલો
પંચજન્યના તંત્રીલેખમાં પણ કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ જીવન જેમાં ગૌરવ, નૈતિકતા, જવાબદારી અને ભાઈચારાનો સમાવેશ થાય છે તે જાતિની આસપાસ ફરે છે અને મિશનરીઓ આ સમજી શકતા નથી. મિશનરીઓએ જ્ઞાતિને તેમના ધર્માંતરણના કાર્યક્રમમાં અવરોધ તરીકે જોઈ હતી. કોંગ્રેસ પણ તેને હિન્દુ એકતામાં અવરોધ તરીકે જુએ છે.
કોંગ્રેસ અંગ્રેજોની જેમ જાતિને આધારે લોકસભા બેઠકોનું વિભાજન કરવા માંગે છે અને આમ કરીને તે દેશમાં વિભાજનને પ્રોત્સાહન આપવા માંગે છે અને તેથી જ તે જાતિગત વસ્તી ગણતરીની વાત કરે છે. અત્રે એ નોંધવું રહ્યું કે ભાજપે ક્યારેય જાતિગત વસ્તી ગણતરીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો નથી.
હિતેશ શંકરે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર જાતિ અંગે કરેલી ટિપ્પણી અંગે પણ તંત્રીલેખમાં વાત કરી છે. તેમણે કહ્યું છે કે ભારતની જે જાતિ છે, તેનો જવાબ સમાજ અને ઈતિહાસમાંથી મળે છે કે તે હિંદુ છે. પરંતુ જ્યારે કોંગ્રેસ પાર્ટીને તેની જાતિ પૂછવામાં આવશે, ત્યારે તેનો જવાબ હશે – ઇસ્ટ ઇન્ડિયા કંપની અને એઓ હ્યુમ.