ગેરહાજર રહેનાર ૨૩ શિક્ષકોને નોટિસ.
વિદેશમાં સ્થાયી થઇ ગયા પછી પણ શાળામાં શિક્ષક તરીકે હાજરી પુરવામાં આવી રહ્યાંના ઘટસ્ફોટથી સરકાર અને શિક્ષણ વિભાગ માટે નીચા જોણું થયું છે. સફાળી જાગેલી સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સતત ૩ મહિના કે વધુ વખતથી ગેરહાજર રહેલા ૨૩ શિક્ષકોને નોટિસ ફટકારવાની સાથે આગળની કાર્યવાહીના માર્ગદર્શન માટે વિગતવારનો અહેવાલ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે.
રાજ્ય આખામાં તંત્ર અને વિભાગની આવા બખડ જંતર ચાલતા રહેવા દેવાની શર્મનાક હરકતના કારણે સરકારે બેકફૂટ પર આવવાની સ્થિતિ સર્જાઇ છે. શાળામાં લાંબી ગેરહાજરી છતાં આવા શિક્ષકોની હકાલપટ્ટી નહીં કરવાના વલણનાં કારણે બેરોજગારોને નોકરીની તક મળતી નહીં હોવાની વાતો પણ યુવાઓ કરી રહ્યાં છે. જોકે મોટાભાગના કિસ્સામાં ગેરહાજર શિક્ષકોના પગાર ચાલુ નહીં હોવાનો તંત્રો દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમની હાજરી પુરાતી હોવાના મુદ્દે જવાબદારીમાંથી છટકી શકાય તેવા બહાના ઉભા કરાઇ રહ્યાં છે. આ બાબત આજકાલની નહીં પરંતુ લાંબા સમયથી ચલાવાઇ રહી છે. હોબાળો થવાના પગલે શિક્ષણમંત્રી પણ તપાસના આદેશ છોડવા મજબુર બન્યા હતાં. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં શહેરમાં ૧ સહિત ૨૧ કિસ્સા અને માધ્યમિક વિભાગમાં ૨ કિસ્સા ગ્રામ્ય વિસ્તારમાં મળી આવતાં નોટિસ આપવા સાથે કાયદેસરની કાર્યવાહી માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ગેરહાજર શિક્ષકોમાં ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામની શાળાના ૨, ટીંટોડા ગામના ૨ ઉપરાંત અડાલજ, બુટાકિયા, બાપુપુરા, માધવગઢ અને મગોડીની શાળાના છે. કલોલ તાલુકામાં આનંદપુરા, બાલવા, રામનગર, વાગોસણા, ખાત્રજ, ઉનાલી, વાંસજડા-ક અને કાંઠા ગામની શાળાના શિક્ષક સામેલ છે. જ્યારે માણસા તાલુકામાં બોરૃ અને બાપુપરાની શાળાના અને દહેગામ તાલુકામાં અમરાજીના મુવાડાની શાળાના શિક્ષક છે. ગાંધીનગર શહેરમાં પેથાપુરની શાળાના શિક્ષક અને માધ્યમિક વિભાગમાં દહેગામના પાલુન્દ્રા ગામની શાળાના અને માણસાના દેલવાડા ગામની શાળાના શિક્ષકનો સમાવેશ થાય છે.
ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારના ત્રણ શિક્ષકો દ્વારા રાજીનામા મુકી દેવાયાં
ગાંધીનગર જિલ્લામાં ૩ મહિના કે તેનાથી વધુ સમયથી શાળામાં સદેહે હાજરી પુરવા માટે નહીં ફરકેલા શિક્ષકોના કિસ્સામાં તંત્ર દ્વારા કાર્યવાહી જ કરવામાં આવી નથી, તેવું પણ નથી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. પિયુષ પટેલના જણાવવા પ્રમાણે શિક્ષકની લાંબી ગેરહાજરીના કિસ્સામાં ગાંધીનગર, કલોલ, માણાસા અને દહેગામમાં તાલુકા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ૨ અને ૩ વખત પણ નોટિસ આપવામાં આવી છે અને જિલ્લા કક્ષાએથી પણ ૧ નોટિસ આપવામાં આવેલી છે. દરમિયાન ગેરહાજર રહેતા કલોલના ૨ સહિત કુલ ત્રણ શિક્ષકો દ્વારા રાજીનામા મુકી દેવામાં આવ્યા હોવાથી તેના સંબંધે પણ નિયમાનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.