શેખ હસીના ભારતમાં બેઠા બેઠા જ ૧૫ ઓગસ્ટે બાંગ્લાદેશમાં મોટો ખેલ કરવાની તૈયારી.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હાલ ભારતમાં શરણ લઈ રહ્યા છે. તેઓ ભારતમાં કેટલો સમય રહેશે તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. હસીના પોતાના દેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં ક્વોટા વિરોધી પ્રદર્શનકારીઓએ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની ઘણી ઇમારતોને આગ લગાવી દીધી હતી. એવા પણ સમાચાર છે કે, અવામી લીગ સાથે જોડાયેલા સેંકડો લોકોને પ્રદર્શનકારીઓએ નિર્દયતાપૂર્વક હત્યા કરી છે. રસ્તા પર ઉતરી આવેલા ઉશ્કેરાયેલા દેખાવકારોએ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાને હથોડીથી તોડી નાખી હતી. જો કે, આટલું બધું થયું હોવા છતાં તેમની પાર્ટી જોરદાર તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાની પાર્ટીએ ૧૫ ઓગસ્ટ માટે ખાસ પ્લાન બનાવ્યો છે.
અવામી લીગ ૧૫ ઓગસ્ટે બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની હત્યાની ૪૯મી વર્ષગાંઠ પર શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી કરી રહી છે.
અવામી લીગના અધ્યક્ષ અને દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાં અને ભારતમાં આવ્યા બાદ, અવામી લીગના કેટલાક ટોચના નેતા હાલમાં ભૂગર્ભના ચાલ્યા ગયા છે. જેના કારણે પક્ષની ગતિવિધિઓને લઈને તણાવ વધ્યો. પરંતુ ૧૫ ઓગસ્ટના સંબંધમાં અવામી લીગના નેતાઓ અને કાર્યકરો વોકઆઉટ કરવાની યોજના બનાવી રહ્યા છે.
ઢાકા ટ્રિબ્યુનના એક રિપોર્ટ પ્રમાણે અવામી લીગના નાના લેવલના નેતાઓ અને કાર્યકરો ૧૫ ઓગસ્ટે ધનમોંડી રોડ નંબર ૩૨ પર બંગબંધુ ભવન ખાતે એકઠા થવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ તુંગીપારામાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની સમાધિ તેમજ બનાની કબ્રસ્તાનમાં શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરી રહ્યા છે. જેથી કરીને ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ પોતાનો જીવ ગુમાવનારા બંગબંધુના મૃત્યુ પામેલા પરિવારના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી શકે.