૧. બેટ દ્વારકા મંદિરે 460 વર્ષ જૂની પરંપરા મુજબ ઉજવણી
૨. દ્વારકા જગતમંદિરે આજે હોળી પહેલાં ફુલડોલોત્સવઃ ભાવિકોને પ્રવેશબંધી
૩. ગોમતી ઘાટે પ્રથમ હોળી પ્રાગટય કરી ત્યાંથી અગ્નિ લઈ જઈ અન્યત્ર હોળી પ્રગટાવાશે
૪. કાળિયા ઠાકોરને ધાણી, દાળિયા, ખજૂર, સુકો મેવો, મગ-ચોખા, મગસના લાડુનો ધરવામાં આવશે વિશેષ ભોગ
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશજી જગત મંદિરે આજ રોજ હોળીના પર્વ ની ઉજવણી પહેલી વાર ભક્તો વિના કરવામાં આવશે. ઉતરા ફાલગુની નક્ષત્ર હોવાથી બપોરે પરંપરાગત રીતે ફુલડોલોત્સવની ઉજવણી પરંપરાગત રીતે પુજારી પરીવાર દ્વારા કરવામાં આવશે. શ્રીજીને ચાંદીની પીચકારીમાં કેસુડાનો રંગે રમાડાશે..
કાળિયા ઠાકોરને ધાણી, દાળિયા, ખજુર, સુકોમેવો, મગ-ચોખા તથા મગજના લાડુનો વિશેષ ભોગ ધરાશે. મંદિરમાં ભાવિકો માટે ૨૯મી સુધી પ્રત્યક્ષ દર્શન માટે પ્રવેશબંધી છે. સાંજે ગોમતી ઘાટે પ્રથમ હોળી પ્રાગટય બાદ ત્યાંથી અગ્નિ લઈ જઈ અન્યત્ર હોળી પ્રાગટય કરાશે.
પુજારી નેતાજીએ જણાવ્યા અનુસાર બપોરે ફુલડોલોત્સવ પ્રસંગ નિમીતે ભગવાનની ઉત્સવ મૂર્તી ગોપાલજીને નિજ સભામંડપ અંદર કૂંજ પાલવના (હિંડોળામાં) બિરાજમાન કરી ફુલડોલ ઉત્સવ ઉજવાશે. તેમા શ્રીજીને વિશેષ ભોગ ધરાવવામાં આવશે. તેમા નિત્યક્રમની તમામ પ્રકારની સામગ્રી (વ્યંજનો) સાથે વિશેષ ધાણી, દારીયા, ખજુર, સુકો મેવો, મગ-ચોખા, તથા મગજના લાડુનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે બાદમાં ફુલડોલ ઉત્સવની આરતી કરવામાં આવે છે
આરતી દરમ્યાન ફરીથી શ્રીજીના હસ્તમાં રંગોની પોટલી ધરાવવામાં આવશે. ચાંદીની પીચકારીમાં કેસુડાના રંગ અને કેસરનું પાણી ભરી ઠાકોરજીને હોળી રમાડવામાં આવશે. રંગોની પોટલીથી અને પિચકારીના રંગોથી ભાવિકોને દર વર્ષ રમાડવામાં આવશે.
આજે ઠાકોરજીને ધરાશે ફગવા ભોગ જેમાં દિન્દુ ધર્મશાસ્ત્રાનુસાર ફાગળ સુદ પૂનમના રોજ બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ ધાર્મિક પરંપરા અનુસાર ફુલ ડોલોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને લીધે ભાવિકો માટે ત્રણ દિવસ સુધી પ્રત્યક્ષ દર્શન બંધ હોય માત્ર પૂજારી પરિવાર સંગ ઠાકોરજીના ચલ સ્વરૂપ ગોપાલજીના દર્શન યોજાશે જેમાં ભક્તો online લાભ લઈ શકશે.
જેમાં દ્વારકાધીશના ચલ સ્વરૂપ ગોપાલજીને મધ્યાહન ભોગ અર્પણ કરાશે. ત્યારબાદ ડોલોત્સવમાં ઝુલામાં પધરાવી ચાંદીની પિચકારીમાંકેસુડાનો રંગ ભરી ઠાકોરજી સંગ પૂજારી પરિવારજનો સાથે મંદિરના મુખ્યાજીઓ દ્વારા અબીલ ગુલાલ સાથે દોલોત્સવ રમીને પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવશે. દોલોત્સવ ખેલ્યા બાદ ગોપાલજીને નિજમંદિરમાં પુનઃ પધરાવી ઠાકોરજીને રાજભોગ ધરાવવામાં આવશે, જેને ફગવા ભોગ તરીકે ઓળખવામાં આવે છે.
અત્યારે જે જગ્યાએ ભગવાન દ્વારકાધીશ બિરાજે છે તે સ્થળે સવંત ૧૬૧૭માં જામનગરના રાજા જામરાવળજીએ મંદિરો સિદ્ધ કરાવ્યા હતા. અને પ્રભુને બિરાજમાન કરાયા હતા. ત્યારથી આજ દિવસ સુધી દર વર્ષે એટલે કે છેલ્લા ૪૬૦ વર્ષથી અહીં ઠાકોરજી સંગ ડોલોત્સવની ઊજવણી કરાય છે.