ગુજરાત રાજ્યમાં તબક્કકાવાર ગેરહાજર રહેતા શિક્ષકો સામે સરકાર પગલાં લેશે, ગત ૯ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન એક સપ્તાહમાં ૧૦૩૯ શિક્ષકો ગેરહાજર હોવાની શિક્ષણ વિભાગને માહિતી મળી છે.
ગુજરાત રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ કેટલાક એવા શિક્ષકો પણ છે જે આખું વર્ષ શાળાએ પગ પણ નથી મુકતા અને પગાર પણ મેળવે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ગુરુની ગરીમાને લજવતા કેટલાંક શિક્ષકો આજે શિષ્યોના ભવિષ્યના દુશ્મન બનીને બેઠા છે. જે ગુલ્લીબાજ શિક્ષકો પર હવે સરકાર તવાઈ બોલાવી શકે છે. શિક્ષણ વિભાગ ગેરહાજર રહેતા શિક્ષકોની વિગતો મેળવી રહી છે.
ગેરહાજર રહેતા શિક્ષકો સામે સરકાર હવે કાર્યવાહીનો દોર ચલાવી રહી છે. ગુલ્લીબાજ શિક્ષકોની શિક્ષણ વિભાગ વિગતો મેળવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તબક્કકાવાર ગેરહાજર શિક્ષકો સામે સરકાર પગલાં લેશે. ગત ૯ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન એક સપ્તાહમાં ૧૦૩૯ શિક્ષકો ગેરહાજર હોવાની માહિતી મળી છે. પૂર્વ મંજૂરી વગર રજા પર ગયેલા શિક્ષકો સામે તબક્કાવાર જવાબ મેળવી સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ પગલાં લેવામાં આવશે.
‘શિક્ષકોની મનમાની નહીં ચલાવવામાં આવે’
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરએ થોડા દિવસ અગાઉ આ મુદ્દે જણાવ્યું હતું કે, શાળાઓમાં ચાલતી શિક્ષકોની મનમાની નહીં ચલાવવામાં આવે અને રાજ્યમાં ૧૩૪ જેટલા શિક્ષકોને બરતરફ કરવાની કામગીરી કરાઈ છે. શાળાઓમાં શિક્ષકોની હાજરી પુરવા બાબત પર તેમણે કહ્યું કે, શાળામાં ઓનલાઈન અને ઓફલાઈન એમ બે રીતે હાજરી પુરાય છે. ખોટી હાજરી પુરવા પર પણ કડક એક્શન લેવામાં આવશે. રાજ્યમાં ૯૮ % શિક્ષકોની સારી કામગીરી પણ માત્ર ૨ % શિક્ષકોના લીધે વિભાગની બદનામી થાય છે.