જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસ, નેશનલ કોન્ફરેન્સ અને સીપીએમ ગઠબંધનમાં એક સાથે ચૂંટણી લડશે, પીડીપી મામલે હજુ ખુલાસો નથી થયો.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને ચૂંટણી લડશે. એનસી ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન થયું છે અને સીપીએમ પણ ગઠબંધનમાં સહયોગી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શ્રીનગરના પ્રવાસે છે. સોશિયલ મીડિયા પર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના નેતાઓનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૨૫ સપ્ટેમ્બરે થશે.
અમે સાથે છીએઃ ફારૂક અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને જ્યારે પીડીપી સાથેના જોડાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “કોંગ્રેસ અને અમે (NC) સાથે છીએ. મોહમ્મદ યુસુફ તારીગામી સાહેબ (CPM નેતા) પણ અમારી સાથે છે. મને આશા છે કે, અમારા લોકો અમારી સાથે છે, જેથી અમે જીતી શકીએ અને લોકો માટે વધુ સારું કરી શકીએ. જો કે ફારુક અબ્દુલ્લાએ પીડીપી પણ સાથે આવશે કે નહીં, તે અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
ફારુક અબ્દુલ્લાએ PDP વિશે શું કહ્યું?
જ્યારે ફારુક અબ્દુલ્લાને PDP સાથે ગઠબંધન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “અમને ખબર નથી. પહેલા આપણે ચૂંટણી જોવી જોઈએ, પછી આ બાબતો જોઈશું. કોઈના માટે દરવાજો બંધ નથી.”
કોંગ્રેસ તથા એનસીના વડા ફારૂક અબ્દુલ્લા સાથે ગઠબંધન માટેના કોમન મિનિમમ પ્રોગ્રામ પર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, સામાન્ય કાર્યક્રમ ચૂંટણી લડવાનો છે, દેશમાં હાજર વિભાજનકારી શક્તિઓને હરાવવાનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ગઠબંધન ટ્રેક પર છે અને ચાલુ રહેશે. તમામ ૯૦ બેઠકો માટે આજે સાંજ સુધીમાં આ ગઠબંધન પર સીટોની ચર્ચા થઈ જશે.