ભારત સહિત ૩૪ દેશોના નાગરિકો વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે.
ભારતના પડોશી દેશ શ્રીલંકાએ ભારતીયોને મોટી ખુશખબરી આપી છે. શ્રીલંકન સરકારની જાહેરાત મુજબ, હવે ભારત સહિત ૩૪ દેશોના નાગરિકો વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે. શ્રીલંકાએ આ વિઝા-ફ્રી એક્સેસ ૧ ઓક્ટોબરથી લાગુ થઈ જશે. આમ કરવાથી તેના પ્રવાસનને પણ હરણફાળ ગતિ મળશે.
શ્રીલંકન સરકારની મંત્રીમંડળે ૩૫ દેશોને વિઝા-ફ્રી એક્સેસની સુવિધા આપવા મંજૂરી આપી છે. આ દેશોમાં ભારત, ચીન, રશિયા, અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ સામેલ છે. આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી છ મહિના માટે લાગુ કરવામાં આવી રહ્યો છે.
શ્રીલંકાના પ્રવાસન મંત્રી હારિન ફર્નાન્ડોને ટાંકીને કહેવાયું છે કે, પહેલી ઓક્ટોબરથી શ્રીલંકાની યાત્રા કરવા માટે ૩૫ દેશોના નાગરિકોને વિઝાની જરૂર પડવાની નથી. આ પોલિસી છ મહિના માટે લાગુ કરવામાં આવી છે. જે દેશોને આ સુવિધાનો લાભ મળવાનો છે, તેમાં ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પોલેન્ડ, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ, ઈન્ડોનેશિયા, રશિયા અને થાઈલેન્ડના નામ સામેલ છે. આ ઉપરાંત મલેશિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, ચેક રિપબ્લિક, ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રિયા, ઇઝરાયેલ, બેલારુસ, ઈરાન, સ્વીડન, દક્ષિણ કોરિયા, કતાર, ઓમાન, બહેરીન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના પાસપોર્ટ ધારકોને પણ મફત પ્રવેશ સુવિધાનો લાભ મળશે.
શ્રીલંકાના અર્થતંત્ર માટે પ્રવાસન ખૂબ જ મહત્વનું પાસું છે. આ દેશમાં વિવિધ દેશોના લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. થોડા દિવસ પહેલા શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલની ફીમાં વધારો કરાતો હતો, જેના કારણે વિવાદ ઉભો થયો હતો. શ્રીલંકામાં વિઝા-ઑન-અરાઈવલ સુવિધાને એક વિદેશી કંપની દ્વારા હેન્ડલ કરવામાં આવતું હતું. શ્રીલંકામાં ભારત, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના લોકો કોઈપણ ફી વગર પ્રવાસી વિઝા મેળવે છે.
શ્રીલંકાએ ગત વર્ષે પણ પાંચ દેશોને આપ્યો હતો લાભ
શ્રીલંકન પ્રવાસન મંત્રાલયના સલાહકાર હરિન ફર્નાન્ડોએ વધુમાં કહ્યું કે, આ નિર્ણય કોલંબોના વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવાના પ્રયાસોનો એક ભાગ છે. શ્રીલંકાની સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન, રશિયા, ભારત, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના પ્રવાસીઓ માટે વીઝા ફી ન લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે ફર્નાન્ડોએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં વાર્ષિક 50 લાખ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકાર આ પાંચ દેશોમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે.