ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન મંજૂર, તથ્યના દાદાનું નિધન થતાં અંતિમક્રિયામાં હાજર રહેવા માંગ્યા જામીન હતા.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના એક દિવસના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. અત્રે જણાવીએ તથ્યના દાદાનું અવસાન થતાં અતિમક્રિયામાં હાજર રહેવાને લઈ જામીન અરજી કરાઈ હતી. જે મુદ્દે કોર્ટે આરોપી તથ્ય પટેલને એક દિવસના જામીન આપ્યા છે.
૧ વર્ષ બાદ ૧ દિવસ માટે જામીન.
ઈસ્કોન બ્રિજ પર ૧ વર્ષ અગાઉ ૯ લોકોને કમકમાટી ભર્યા કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે આપ્યા છે. અત્રે જણાવીએ કે, ૧૩ મહિના બાદ આ અકસ્માત કેસના આરોપીને જામીન મળ્યા છે. ૨૫ દિવસ પહેલા તથ્યના દાદાની તબિયત ખરાબ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમય તથ્યના વકીલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, ૨૨ ઓગસ્ટના રોજ તથ્યના દાદાનું અવસાન થતાં અંતિમક્રિયાને લઈ કોર્ટમાં જામીન અરજી કરાઈ, જે સાથે મૃત્યુ પ્રમાણપત્ર જોડવામાં આવ્યું હતું, ત્યારે કોર્ટ ૧ દિવસના જામીન મંજૂર કર્યા છે.
એક વર્ષ અગાઉ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ૧૬૦ થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં ૯ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જે અત્યારે પણ જેલમાં છે, જો કે, આજે તેને એક દિવસના જામીન મળ્યા છે.