રવિવારે હોળીના દિવસે 500 વર્ષ પછી દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, ફાગણ સુદ પૂનમે હોળીના દિવસે ધ્રુવ યોગની સાથે સાથે સર્વસિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો સમન્વય થઈ રહ્યો છે. અગાઉ આ યોગ 3 માર્ચ 1521એ જોવા મળ્યો હતો. રવિવારે હોળી પ્રગટાવવા માટે સાંજે 6.36થી 8.56 સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આમ હોળી પ્રગટાવવા માટે 2.19 કલાક સુધીનો યોગ છે. પૂનમની તિથિ રવિવારે સવારે સાડા ત્રણ વાગ્યાથી 29 માર્ચે રાત્રે 12.15 સુધી રહેશે. એ પછી ધુળેટી મનાવાશે.
સિદ્ધિ વિનાયક મંદિરમાં 30 ફૂટની ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે
આ વર્ષે 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી મનાવાશે, હોળીનું પર્વ પદ આસુરી શકિતના પરાજય અને સાત્વિક શક્તિના વિજયનનું પર્વ છે. પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારબાદના દિવસે રંગોત્સવી ધુળેટી મનાવવામાં આવે છે. મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં 30 ફૂટની ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવશે. ઇસ્કોન મંદિરમાં સવારે 4.30 કલાકે મંગળા આરતી, 5 વાગે વિશેષ આરતી, અને સાંજે 7 વાગે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ભાડાજ હરેકૃષ્ણ મંદિરમાં પણ સવારે મંગળા આરતી થશે.