ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. જેમાં રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં કેટલાક ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડુતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. રાજ્યના તમામ જિલ્લામાં 28મી ઓગસ્ટ સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.
આજે રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવાર ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
સોમવારે ભરૂચ અને વડોદરામાં ભારે વરસાદની અગાહી
ગુજરાતમાં સોમવારે જન્માષ્ટમીના દિવસે ભરૂચ અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ અપાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
જન્માષ્ટમીનાં દિવસે ક્યાં પડશે ભારે વરસાદ
આવતીકાલે જન્માષ્ટમીનો પર્વની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. હવામાન વિભાગે આવતીકાલે ભરૂચ તેમજ વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આવતીકાલે સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.