કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાને લઇને આક્રોશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને સજા આપવા માટે સતત કડક કાયદા બનાવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં એક જનસભાને સંબોધિત કરી હતી. કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાને લઇને આક્રોશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને સજા આપવા માટે સતત કડક કાયદા બનાવી રહી છે. આજે દેશની બહેનો અને દીકરીઓ આટલી મોટી સંખ્યામાં અહીં છે. હું તમને આ ખાસ કરીને કહેવા માંગુ છું કે અગાઉ ફરિયાદો રહેતી હતી કે એફઆઈઆર સમયસર નોંધવામાં આવતી નથી, સુનાવણી કરવામાં આવતી નથી, કેસ વિલંબમાં પડે છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે ભારતીય ન્યાય સંહિતામાં આવા ઘણા અવરોધોને દૂર કર્યા છે. તેમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર અંગે એક આખું પ્રકરણ બનાવવામાં આવ્યું છે. પીડિત મહિલાઓ જો પોલીસ સ્ટેશન ન જવા માંગતી હોય તો તેઓ ઘરેથી ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે. અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે પોલીસ સ્ટેશન લેવલે કોઈ પણ ઈ-એફઆઈઆર સાથે છેડછાડ કરી શકશે નહીં.
પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
- પીએમ મોદીએ કહ્યું કે નવા કાયદાઓમાં સગીર વિરુદ્ધ યૌન અપરાધ માટે આજીવન કેદની જોગવાઈ છે. દીકરીઓ સાથે લગ્નના નામે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે. અગાઉ આ માટે કોઈ સ્પષ્ટ કાયદો ન હતો. હવે ભારતીય ન્યાય સંહિતાએ લગ્નના ખોટા વચન અને છેતરપિંડીને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી છે. હું તમને ખાતરી આપું છું કે મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની સાથે છે. આપણે ભારતીય સમાજમાંથી આ માનસિકતાને દૂર કરીને રોકવું પડશે. એટલા માટે આજે ભારત વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે અને તેમાં મહારાષ્ટ્રની મોટી ભૂમિકા છે. મહારાષ્ટ્ર વિકસિત ભારતનો ચમકતો સિતારો છે.
- પીએમ મોદીએ કહ્યું કે માતાઓ, બહેનો અને દીકરીઓની તાકાત વધારવાની સાથે સાથે તેમની સુરક્ષા પણ દેશની પ્રાથમિકતા છે. મેં લાલ કિલ્લા પરથી આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. આજે દેશની જે પણ સ્થિતિ હોય, હું મારી બહેનો અને દીકરીઓના દર્દ અને ગુસ્સાને સમજું છું. હું ફરી એકવાર દરેક રાજકીય પાર્ટીને, દેશની દરેક રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ સાથેનો અપરાધ પાપ છે. જે પણ દોષી હોય તેને બક્ષવામાં ન આવે. જે કોઈ પણ રૂપમાં તેની મદદ કરે છે તેમને બક્ષવામાં ન આવે. હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, સરકારી તંત્ર હોય કે પોલીસ તંત્ર હોય, ગમે તે સ્તરે બેદરકારી દાખવવામાં આવી હોય, બધાની જવાબદારી નક્કી થવી જોઈએ. સંદેશ ઉપરથી નીચે સુધી ખૂબ સ્પષ્ટ હોવો જોઈએ. સરકારો આવતી જતી રહેશે, પણ જીવનની રક્ષા અને મહિલાઓના સન્માનની રક્ષા કરવી આપણા બધાની, એક સમાજ તરીકે, એક સરકાર તરીકે આપણી એક મોટી જવાબદારી છે.
- પીએમ મોદીએ આ સંમેલનમાં કહ્યું કે ભારતની નારી શક્તિએ સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને બનાવવામાં હંમેશા ઘણું યોગદાન આપ્યું છે અને આજે જ્યારે આપણો દેશ વિકસિત થવા માટે મહેનત કરી રહ્યો છે, ત્યારે ફરી એકવાર આપણી નારી શક્તિ આગળ આવી રહી છે.
- પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું લોકસભા ચૂંટણી દરમિયાન તમારી પાસે આવ્યો હતો ત્યારે મેં વાયદો કર્યો હતો કે અમે ૩ કરોડ બહેનો લખપતિ દીદી બનાવીશું. આનો અર્થ એ છે કે જે મહિલાઓ સ્વ-સહાય જૂથોમાં કામ કરે છે અને તેમની વાર્ષિક આવક ૧ લાખ રૂપિયાથી વધુ છે. છેલ્લા ૧૦ વર્ષમાં એક કરોડ લખપતિ દીદી બનાવી છે અને માત્ર બે મહિનામાં જ એક કરોડમાં વધુ ૧૧ લાખ લખપતિ દીદી ઉમેરાયા છે.
- પીએમ મોદી કહ્યું કે તમે સાંભળ્યું જ હશે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. આમાં મહિલાઓની બહુ મોટી ભૂમિકા છે. જોકે થોડા વર્ષો પહેલા આવું ન હતું. મહિલાઓ દરેક ઘર અને દરેક પરિવારનું ધ્યાન રાખે છે. જોકે મહિલાઓની મદદની ગેરંટી આપનારું કોઈ ન હતું. મહિલાઓના નામે સંપત્તિ ન હતી અને જો કરવી હોય તો બેંકમાંથી લોન લઈ શકતી ન હતી. આવી સ્થિતિમાં, તેઓ પોતાનો નાનો ધંધો પણ કરી શકતા ન હતા. વર્ષોવર્ષ અમે મહિલા તરફી નિર્ણયો લીધા છે. મેં નક્કી કર્યું છે કે ગમે તે થાય, હું મારા દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓની દરેક મુશ્કેલીને ઓછી કરીશ. એટલે જ મોદી સરકારે મહિલાઓના હિતમાં એક પછી એક નિર્ણયો લીધા છે.