નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…….ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને જગત મંદીર રોશનીથી ઝળહળી ઉઠ્યું.
ગણતરીના કલાકોમાં દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૧ માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ઉત્સવને લઇ દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઇ જગતમંદીરને કલાત્મક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યુ છે. યાત્રિકોમાં ઠાકોરજીના જન્મોત્સવને લઈને અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે જન્માષ્ટમી પર્વને મનાવવા માટે દેશભરમાંથી લાખો ભાવિકો કાન્હાની નગરીમાં ઉમટશે અને રંગેચંગે જગતના નાથનો જન્મોત્સવ મનાવશે.
૧૦ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય છે. જેના દર્શનના લાભ લઇને ભક્તોના ઉત્સાહમાં વધારો થયો હતો. ત્યારે બીજી તરફ યાત્રીકોની સુવિધા માટે જગતમંદિર જતા રસ્તાઓનું રિપેરિંગ પણ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે ભક્તોને પરેશાન થવાની વારી આવે નહી.
જન્મોત્સવને લઇને દ્વારકા તરફ આવતા વાહનોનું સઘન ચેકિંગ કરાવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ જગતમંદિરની સુરક્ષા માટે ૧૮૦૦ જેટલા જવાનો હાજર રહેશે. જેમાં એક SP, 8 DYSP, ૩૦ PI, ૬૦ PSI સહિત ૧૮૦૦ જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત રહીને જન્માષ્ટમી ટાણે ફરજ બજાવશે.