કોલકાતા રેપ મર્ડર કેસ માં રહસ્ય જટીલ બની રહ્યું, સીબીઆઈએ આરોપી સંજય રોય નો પોલીગ્રાફ ટેસ્ટ કર્યો, પરંતુ તેના નિર્દોષ હોવાના જવાબોએ કેસથી ગુથ્થી વધુ જટીલ બની રહી.
રવિવારે સીબીઆઈએ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કર્યો હતો. આ ઉપરાંત મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત અન્ય છ લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ પછી સૌથી મોટો સવાલ એ છે કે, આ ટેસ્ટમાં સીબીઆઈને શું જાણવા મળ્યું છે. પોલીગ્રાફની સાથે સંજય રોયનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે, જ્યારે તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે લેડી ડોક્ટરનું મૃત્યુ થઈ ચુક્યું હતું.
મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ જેલમાં જ કરવામાં આવ્યો હતો. સીબીઆઈની પૂછપરછ દરમિયાન તેણે ઘણા સવાલોના ખોટા જવાબ આપ્યા હોવાની આશંકા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો સૂચવે છે કે, સમગ્ર ટેસ્ટ દરમિયાન સંજય રોય પરેશાન રહ્યો હતો. જ્યારે સીબીઆઈ અધિકારીઓએ કેસ સાથે જોડાયેલા પુરાવા સાથે તેની પૂછપરછ કરી તો તેણે ઘણા બહાના કર્યા. તેણે એવો પણ દાવો કર્યો કે, જ્યારે તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે પીડિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
સંજય રોયે CBI ને શું કહ્યું?
લાઇ ડિટેક્ટર અને પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન સીબીઆઈની પૂછપરછ દરમિયાન સંજય રોયે કહ્યું કે, તે ત્યાં પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. તેણે કહ્યું કે, જ્યારે તેણે ડોક્ટરને મૃત જોઈ તો તે ડરી ગયો અને હોસ્પિટલ પરિસરમાંથી ભાગી ગયો. આ કેસની સૌથી પહેલા તપાસ કરનાર કોલકાતા પોલીસનું કહેવું છે કે, આરોપી સંજય રોયે બળાત્કાર અને હત્યાના આરોપો કબૂલ કર્યા છે, જ્યારે સંજય રોય સીબીઆઈ સમક્ષ દાવો કરી રહ્યો છે કે, તે નિર્દોષ છે અને તેને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.
સંજય રોયે મેજિસ્ટ્રેટ સમક્ષ અલગથી નિવેદન આપ્યું હતું.
કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ સંજય રોયે જેલના રક્ષકોને એક અલગ નિવેદન આપ્યું છે. તે દરમિયાન તેણે કહ્યું હતું કે, તેને બળાત્કાર અને હત્યા વિશે કંઈ જ ખબર નથી. એટલું જ નહીં, જ્યારે તેને સિયાલદહ કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે ત્યાં પણ આવું કહ્યું હતું.
CBI તપાસને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર?
આ મામલામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈના એક અધિકારીએ પણ કહ્યું છે કે, સંજય રોય દર વખતે કોઈને કોઈ નવું નિવેદન આપી રહ્યો છે, કારણ કે તે કોઈપણ કિંમતે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સીબીઆઈ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, હજુ સુધી મુખ્ય આરોપી એ સમજાવી શક્યો નથી કે, તેના ચહેરા પર ઈજા કેવી રીતે થઈ અને તે ઘૃણાસ્પદ ગુના સમયે મેડિકલ કોલેજમાં શું કરી રહ્યો હતો.