પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આજકાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ટીમને ૧૦ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર્સ અને ફેન્સ પણ નિરાશ છે. રાવલપિંડીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમ કંઈ ખાસ કરતબ બતાવી શકી ન હતી, જેના પરિણામે મહેમાન બાંગ્લાદેશી ટીમે શાનદાર જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો. હવે પાકિસ્તાન ક્રિકેટના અધ્યક્ષ મોહસિન નકવીએ ટીમમાં ફેરફારના સંકેત આપ્યા છે.
૨૯ ઓગસ્ટ ૨૦૦૧ના રોજ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ રમી હતી. લગભગ ૨૩ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું હોય. આ દરમિયાન બંને દેશો વચ્ચે ૧૪ ટેસ્ટ રમાઈ છે અને પાકિસ્તાને ૧૨ ટેસ્ટ જીતી છે. એક ટેસ્ટ બાંગ્લાદેશે જીતી છે અને એક ડ્રો રહી છે. પાકિસ્તાન માટે ઘરઆંગણે આ બીજી શરમજનક હાર છે. ટીમે ૪ માર્ચ, ૨૦૨૨ થી ઘરઆંગણે નવ ટેસ્ટ રમી છે અને પાંચ મેચ હારી છે. ચાર ટેસ્ટ ડ્રો થઇ હતી એટલે કે એકપણ મેચ ટીમ ઘરઆંગણે પણ જીતી શકી નહોતી.
બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી અને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પ્રથમ દાવમાં છ વિકેટે ૪૪૮ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશે ૫૬૫ રન બનાવીને ૧૧૭ રનની લીડ મેળવી હતી. બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં પાકિસ્તાનને ૧૪૬ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશે ૩૦ રનનો સાવ નજીવો ટાર્ગેટ ૧૦ વિકેટે હાંસલ કરી લીધો હતો.