હવામાન વિભાગ દ્વારા આગામી ૫ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે તો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતા. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી ૫ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૩૦-૩૧ ઑગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે, ત્યારે આજે (૩૦ ઑગસ્ટે) કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છના માંડવીમાં ૩૮૮ મિ.મી., મુંદ્રામાં ૨૧૭ મિ.મી., અબડાસામાં ૧૬૨ મિ.મી., અંજારમાં ૮૦ મિ.મી., ગાંધીધામમાં ૬૫ મિ.મી., ભુજમાં ૬૨ મિ.મી., લખપતમાં ૫૩ મિ.મી., નખત્રાણામાં ૪૩ મિ.મી. અને ભચાઉમાં ૪૨ મિ.મી., દેવભૂમિ દ્વારકામાં ૧૮૬ મિ.મી., જૂનાગઢના ભેસાણમાં ૪૭ મિ.મી., રાજકોટના લોધિકામાં ૪૪ મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય ૧૨૩ તાલુકામાં ૧ થી ૧૦ મિ.મી. સુધીમાં વરસાદ ખાબક્યો છે.
૧ સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલેયલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ૩૧ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
૨ સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ૩ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૪ સપ્ટેમ્બરના દિવસે ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૫ સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ૩૦ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
૧૦ સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ૧૫ સપ્ટેમ્બર સુધી અને ૨૩ સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જો કે, સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.