અમદાવાદમાં હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટિંગની કિટ ભરેલાં 16 બોક્સ ચોરનાર MBBSનો વિદ્યાર્થી પકડાયો

ઘાટલોડિયાના અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોનાના એન્ટિજન ટેસ્ટ કરવાની કિટ ભરેલાં 16 બોક્સની ચોરી કરનાર એમબીબીએસના વિદ્યાર્થી ધરપકડ કરી છે. સેન્ટરના કર્મચારીઓએ લંચ બ્રેકમાં ટોળું વળીને જમવા બેઠા હતા ત્યારે તેમની નજર સામે જ આ વિદ્યાર્થી સેન્ટરમાં આવીને 6.27 લાખની કિંમતની કિટ્સ ભરેલાં 16 બોક્સ ચોરીને ગાડીમાં ભાગી ગયો હતો. ચોરી કરનાર વિદ્યાર્થીના પિતા મહેસાણા ઓએનજીસીમાં સીએ છે અને તે માતાપિતાનો એકનો એક દીકરો છે.

સોલા સાયન્સ સિટી રોડ પરના આસ્થા બંગ્લોઝમાં રહેતા ડો. પવન મહેશભાઈ પટેલ (ઉં. 31) ઘાટલોડિયામાં ચાણક્યપુરી બ્રિજ નીચે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ઘાટલોડિયામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ડો.પવન પટેલના સેન્ટર પરથી કરાય છે. એન્ટિજન ટેસ્ટ કરવાની કિટ પકવાન ચાર રસ્તાની બાજુમાં રાજમાતા સીંધિયા ભવનમાં આવેલા હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી તેમના સેન્ટર પર આવે છે. ગત 19મી માર્ચે ડો. પવન પટેલના સેન્ટરને કિટના 40 બોક્સ ફાળવાયાં હતાં, જેમાં 1 બોક્સમાં 25 કિટ હતી. આ કિટનાં બોક્સ સેન્ટરના રૂમ નંબર- 9માં રખાયાં હતાં.

કોરોના ટેસ્ટ કિટની ફાઈલ તસવીર

24મી માર્ચે બપોરે 2 વાગ્યે ડો. પવન પટેલ સ્ટાફના માણસો સાથે લંચ બ્રેકમાં જમવા બેઠા હતા ત્યારે કિટનો સ્ટોક રાખવા મુર્શલીન પટેલે આવીને ડો. પવનને કહ્યું હતું કે, એક માણસ રૂમ નંબર-9માં આવ્યો હતો અને લાલ રંગની પ્લાસ્ટિક બેગમાં એન્ટિજન ટેસ્ટ કરવાની કિટના 16 બોક્સ લઈને સેન્ટરની બહાર ગયો હતો. મુર્શલીને તેની પાછળ જઈને જોયું તો તે માણસ એક કારમાં કિટનાં બોક્સ લઈને જઈ રહ્યો હતો.પોલીસે કારના નંબરના આધારે પોલીસે મીત અનિલભાઈ જેઠવા (ઉં. 21, સ્વાગત સિટી, અડાલજ, ગાંધીનગર)ને ઝડપી લીધો હતો. મીત એનએચએલ મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. જ્યારે તેના પિતા મહેસાણામાં ઓએનજીસીમાં સીએ તરીકે કામ કરે છે.

મીતે તેના મિત્રને કિટ પૈસા લઈને વેચી હતી
ઘાટલોડિયાના પીઆઈ વાય. બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, મીતની પૂછપરછમાં હાલ કિટ ચોરી કરવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જ્યારે પૂછપરછ કરતા તેણે ચોરી કરેલી કિટ એમબીએ થયેલા તેના મિત્રને પૈસાથી વેચી હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મીતના મિત્રની તપાસ શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *