ભારતની પેરા શૂટર અવની લેખરાએ આર૨ ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ૧ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે આ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ મોના અગ્રવાલે જીત્યો.
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ ૨૯૨૪ના બીજા દિવસે ભારતના મેડલનું ખાતું ખુલ્યું છે. ભારતની પેરા શૂટર અવની લેખરાએ આર૨ ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ પણ ભારતની મોનાએ જીત્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને ૨ થઈ ગઈ છે.
અવની લેખરાએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં તેણે ૨૪૯.૭ ના સ્કોર સાથે જ પોતાનો ગોલ્ડ ડિફેન્ડ કર્યો હતો અને પેરાલિમ્પિકનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. મોના અગ્રવાલે ૨૨૮.૭ ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટનો સિલ્વર મેડલ કોરિયાના લી યુનરીએ જીત્યો હતો.
અવની લેખરાએ ૨૦૨૦ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ૨૪૯.૬ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે તેણે પેરિસમાં પોતાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો અને ૨૪૯.૭ પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીએ ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન એસએચ1માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ૧૦ મીટર એર રાઇફલ એસએચ૧ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેણે ફરીથી પેરિસમાં ૧૦ મીટર એર રાઇફલ એસએચ૧ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને બે પેરાલિમ્પિકમાં ૩ મેડલ પોતાના નામે કર્યા છે.
અવની લેખરાનો ૨૦૧૨માં કાર અકસ્માત થયો હતો અને તે સમયે તે માત્ર ૧૧ વર્ષની હતી. આ અકસ્માતને કારણે તે સંપૂર્ણપણે પેરાપ્લેજિયાથી પીડિત થઇ ગઇ હતી. આ પછી તેના પિતાએ તેને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. પહેલા તેણે તીરંદાજીની તાલીમ લીધી, પરંતુ તેને લાગ્યું કે તે શૂટિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે, પછી તેણે આ રમતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.
૨૨ વર્ષીય અવની હાલ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરી રહી છે. અવનીને વર્ષ ૨૦૨૧માં મળેલી સફળતા માટે ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવી છે. અવની લેખરા રાજસ્થાનના જયપુરની વતની છે અને તેનો જન્મ ૮ નવેમ્બર ૨૦૦૧ના રોજ થયો હતો.