શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. હવે હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી શિક્ષકોને રાજીનામું આપવા માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે.
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તામાંથી હાંકી કઢાયા બાદ બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ લઇ રહી નથી. શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. હવે હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી શિક્ષકોને રાજીનામું આપવા માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં ૪૮ શિક્ષકો પાસેથી બળજબરીથી રાજીનામાં લેવામાં આવ્યા છે.
ધ ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ છાત્ર ઓઇક્યા પરિષદે જટિયા પ્રેસ ક્લબ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સંગઠનના સંયોજક સાજીબ સરકારે જણાવ્યું હતું કે હસીનાના નેતૃત્વવાળી સરકાર પડી ભાંગ્યા બાદથી લઘુમતીઓ ધાર્મિક અને વંશીય હિંસાનો સામનો કરી રહ્યા છે. બાંગ્લાદેશ વિદ્યાર્થી ઓઈક્યા પરિષદ એ બાંગ્લાદેશમાં હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી, ઓઇક્યા પરિષદની વિદ્યાર્થી પાંખ છે.
સાજિબ સરકારે કહ્યું કે હિંસામાં હિન્દુઓ પર હુમલા, લૂંટફાટ, મહિલાઓ પર હુમલા, મંદિરોમાં તોડફોડ, ઘરો અને વ્યવસાયિક મથકો પર આગચંપી અને હત્યાઓનો પણ સમાવેશ થાય છે. દેશભરના લઘુમતી શિક્ષકોને પણ શારીરિક સતામણીનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે ૩૦ ઓગસ્ટ સુધીમાં ૪૯ શિક્ષકોએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. જો કે ૧૯ શિક્ષકોને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે.
યુનુસ સરકારે સરહદ પર સુરક્ષા વધારી
સાથે જ ડર અને ધાક-ધમકીના કારણે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારત તરફ આવી રહ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે યુનુસ સરકારે ભારત સાથે જોડાયેલી સરહદ પર સતર્કતા વધારી દીધી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારને ડર છે કે નાગરિકો સલામતીના ડરથી ભારત ભાગી શકે છે. આ માટે સીમા પર અર્ધસૈનિક બળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.
બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના જનસંપર્ક અધિકારી શરીફુલ ઇસ્લામે એક સંદેશમાં જણાવ્યું હતું કે બીજીબીએ ગેરકાયદેસર હિલચાલને રોકવા માટે સુરક્ષા વધારી દીધી છે. અર્ધલશ્કરી દળે લોકોને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા લોકો વિશે બે મોબાઇલ ફોન નંબર પર માહિતી આપવાનું પણ કહ્યું છે. શરીફુલ ઇસ્લામે એચટીને જણાવ્યું હતું કે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે ઘણા લોકો સરહદ દ્વારા ભારત જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગયા અઠવાડિયે બીજીબીના કર્મીઓએ સુપ્રીમ કોર્ટના એપેલેટ ડિવિઝનના નિવૃત્ત જજ એએરએમ શમસુદ્દીન ચૌધરી માણિકની અટકાયત કરી હતી. તે કથિત રીતે સિલહટ સેક્ટરમાં સરહદથી ભારત ભાગી રહ્યા હા. મેઘાલય પોલીસને બાંગ્લાદેશની સરહદે રહેલા જૈંતિયા હિલ્સ જિલ્લામાં અવામી લીગના નેતા ઇશાક અલી ખાન પન્નાનો મૃતદેહ મળ્યો હતો.
શેખ હસીના ૫ ઓગસ્ટે બાંગ્લાદેશથી ભાગીને ભારત આવ્યા હતા
શેખ હસીનાએ વિરોધ પ્રદર્શનના કારણે પદ છોડ્યું હતું અને ૫ ઓગસ્ટે ભાગીને ભારત આવી ગયા હતા. ત્યાર બાદ તેમની અવામી લીગ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અવામી લીગના નેતાઓને પણ માર મારવામાં આવ્યો હતો અને કેટલાકને વિવિધ ગુનાહિત કેસોમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ૪,૦૯૬ કિલોમીટર લાંબી સરહદ છે.