એક મહિલાનું મોત, હજારો ઘરોની વીજળી ગુલ.
સોમવારે ઓસ્ટ્રેલિયામાં આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે એક મહિલાનું મોત થયું હતું. અધિકારીઓએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે એક શક્તિશાળી તોફાન દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં ત્રાટક્યું છે. વરસાદની સાથે ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, સોમવારે સવારે ખરાબ હવામાનને કારણે એક મહિલાનું તેના પર ઝાડ પડવાથી મોત થયું હતું.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે ભારે પવન અને ભારે વરસાદને કારણે સમગ્ર દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયામાં નોંધપાત્ર નુકસાન થયું હતું.
ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય વિક્ટોરિયામાં સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં ૧૪૦,૦૦૦ થી વધુ ઘરો વીજળી વગરના હતા. રવિવારે રાત્રે રાજ્યના કેટલાક ભાગોમાં ૧૪૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. એટલું જ નહીં, રાજ્યની કટોકટી સેવાને મદદ માટે ૧,૦૦૦ થી વધુ કોલ આવ્યા હતા, જેમાં ૮૦૦ કોલ પડી ગયેલા વૃક્ષો સંબંધિત અને ૨૦૦ કોલ નુકસાનને લગતા હતા.
હવામાન વિભાગે સોમવારે વિક્ટોરિયામાં ભારે પવનની આગાહી કરી છે. તેમજ મંગળવારે સ્થિતિ સામાન્ય થવાની આગાહી કરવામાં આવી છે. જો કે મંગળવારે કરા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
દરમિયાન, પાવર કંપની યુનાઈટેડ એનર્જીએ ચેતવણી આપી છે કે રાજ્યભરમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં ઘણા દિવસો લાગી શકે છે. વિક્ટોરિયાના એનર્જી મિનિસ્ટર લિલીએ સોમવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં પાવર લાઈનો રિપેર કરવી ખૂબ જોખમી છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રવિવારે રાત્રે અંધારપટથી ૭,૦૦૦ ઘરો પ્રભાવિત થયા હતા. તાસ્માનિયામાં ઘણી વખત પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી.