૨૨ વર્ષ બાદ પાકિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ જીતી.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશની ટીમે ૨૨ વર્ષ બાદ પાકિસ્તાનને ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. બાંગ્લાદેશની આ ઐતિહાસિક જીતમાં મહેંદી હસન મેરાજ, લિટન દાસ, હસન મહમૂદ અને નાહિદ રાણાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ટેસ્ટ સીરિઝમાં હારથી બચવા માટે પાકિસ્તાને કોઈપણ ભોગે બીજી ટેસ્ટ મેચ જીતવી જરૂરી હતી. પરંતુ પાકિસ્તાની ટીમે નિરાશાજનક પ્રદર્શન કરતા બીજી ટેસ્ટ મેચ પણ ગુમાવી દીધી હતી. બીજી ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી બીજા દિવસે પાકિસ્તાની બેટરોએ ખરાબ દેખાવ કરતા ટીમ પહેલી ઇનિંગમાં ૨૭૪ રન જ બનાવી શકી હતી.
પહેલી ઇનિંગ રમવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર ૨૬ રનના સ્કોર પર ૬ વિકેટ પડી ગઈ હતી, પરંતુ ટીમના ખેલાડી લિટન દાસે જબરદસ્ત લડત આપી ૧૩૮ રન બનાવ્યા હતા અને બોલિંગમાં ૫ વિકેટ લેનાર મહેંદી હસન મેરાજે ૭૮ રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. તેમણે બાંગ્લાદેશ ટીમનો સ્કોર ૨૬/૬થી ૨૬૨ સુધી પહોંચાડ્યો હતો.
ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ પાકિસ્તાનના ખેલાડીઓનું બેટ ચાલ્યું ન હતું. ટીમના બેટર અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, શાન મસૂદ અને સઉદ શકીલ તમામ ફ્લોપ રહ્યા હતા. અને આખી ટીમ માત્ર ૧૭૨ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પહેલી ઇનિંગમાં ૧૨ રનની લીડના આધારે પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશને ૧૮૫ રનનો લક્ષ્ય આપ્યો હતો.
ટેસ્ટ મેચના ચોથા દિવસે ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે પોતાની તોફાની બેટિંગ દ્વારા ટીમને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ ખરાબ હવામાન અને વરસાદ બાંગ્લાદેશની જીતમાં અડચણરૂપ બન્યા હતા. ત્યારબાદ પાંચમા દિવસે બાંગ્લાદેશને ઈતિહાસ રચવા માટે ૧૪૩ રનની જરૂર હતી. બાંગ્લાદેશે ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસિલ કરી લીધું હતું.
બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસને ૪૦, શાદમાન ઇસ્લામે ૨૪, કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ૩૮ અને મોમિનુલ હકે ૩૪ રન બનાવ્યા હતા. શાકિબ અલ હસન ૨૧ રન અને મુશફિકુર રહીમ ૨૨ રન બનાવીને અણનમ રહ્યા હતા.