મહારાષ્ટ્રમાં એન્ટિલિયા કેસના આરોપી સચિન વાઝે અને ગૃહ મંત્રી અનિલ દેશમુખના સંબંધ મામલે અહીંનું રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારના સાથી પક્ષ એનસીપીના બે મોટા નેતાના ગુજરાત પ્રવાસથી સરકારની ઊંઘ ખરાબ કરી નાંખી છે. અહેવાલો છે કે, અમદાવાદમાં એક ઉદ્યોગપતિના ઘરે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને તેમના સાથીદાર પ્રફૂલ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ મુલાકાત પછી રાજકીય ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. શાહની પવાર સાથેની મુલાકાતને રાજકીય પંડિતો મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેનાની સંયુક્ત સરકાર માટે ખતરો માની રહ્યા છે. આ દરમિયાન રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહને સવાલ કરાયો કે, ‘કાલે તમે અમદાવાદમાં હતા. ત્યાં શરદ પવાર અને પ્રફૂલ પટેલને પણ મળ્યા હતા.’ તેના જવાબમાં શાહે કહ્યું કે, ‘આ કંઈ કહેવાની વાત નથી. બધું જાહેર ના કરી શકાય.’
જોકે, એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે, ‘આવી કોઈ મુલાકાત થઈ જ નથી. અફવાઓ ફેલાવીને ભ્રમ ઊભો કરાઈ રહ્યો છે.’ બીજી તરફ, શાહના નિવેદનથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં ઉથલપાથલ થઈ શકે છે. આ ઉપરાંત શિવસેનાએ પણ તેના મુખપત્ર ‘સામના’માં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ‘એક્સિડેન્ટલ ગૃહમંત્રી’ ગણાવીને એનસીપી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ જણાવ્યું છે કે, અમે સચિન વાઝે કેસમાં ન્યાયિક તપાસ કરીશું.
બીજી તરફ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે સંજય રાઉતના લેખનો વિરોધ કરતા કહ્યું છે કે, ‘એનસીપીમાં ક્વૉટાથી કોને, કયો હોદ્દો અપાશે, તે શરદ પવાર નક્કી કરે છે. કોઈને તેના પર સવાલ કરવાનો હક નથી.’ બાદમાં તેમણે એક પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે, ગૃહ મંત્રી અનિલ દેશમુખ પોલીસ અધિકારીઓને તેમના ઘરે બોલાવીને મહિને રૂ. 100 કરોડની વસૂલાત કરવાનું દબાણ કરતા, જેમાં સચિન વાઝે પણ સામેલ હતા. હાલ વાઝે એન્ટિલિયા કેસમાં એનઆઈએની કસ્ટડીમાં છે. એનઆઈએની તપાસમાં માલુમ પડ્યું છે કે, એન્ટિલિયા સામે સ્કોર્પિયો વાઝેએ મૂકી હતી.
વાઝેની વસૂલાતની જાણ ગૃહમંત્રીને ન હતી?
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સંજય રાઉતે તંત્રી લેખમાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને બચાવવામાં નિષ્ફળ રહેલી એનસીપી પર નિશાન સાધ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘સરકાર પાસે ડેમેજ કંટ્રોલનો કોઈ પ્લાન નથી. જો સચિન વાઝે કમિશનર ઓફિસમાં બેસીને વસૂલાત કરતા હતા, તો શું ગૃહ મંત્રી અનિલ દેશમુખને તેની જાણ ન હતી? વાઝેને આવા અમર્યાદિત અધિકારો કોના આદેશથી અપાયા હતા? આ સંશોધનનો વિષય છે.’ આ ઉપરાંત ‘સામના’માં દેશમુખને ‘એક્સિડેન્ટલ ગૃહમંત્રી’ ગણાવીને કહેવાયું છે કે, ‘…અનેક વરિષ્ઠ નેતાઓના ઈનકાર પછી અમે દેશમુખને ગૃહ મંત્રી બનાવ્યા હતા.’
મેં જ મુખ્યમંત્રીને તપાસ માટે પત્ર લખ્યોઃ દેશમુખ
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતે જ રવિવારે મીડિયાને જણાવ્યું કે, ‘મારી પર લાગેલા આરોપોની ન્યાયિક તપાસ થશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય કર્યો છે કે, હાઈકોર્ટના નિવૃત્ત જજ તેની તપાસ કરશે. મેં જ મારા પર લાગેલા આરોપોની તપાસ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમાં મેં કહ્યું હતું કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપોની તપાસ કરો, જેથી સત્ય બહાર આવે.’ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા સામે 20 જિલેટિન સ્ટિક મૂકેલી સ્કોર્પિયો કાર મળી હતી. આ કેસમાં લાપરવાઈનું કારણ બતાવીને મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહની બદલી કરી નાંખી હતી.