ભારતમાં કૌશલ્યવાનોને કોરાણે મૂકી દેવાય છે, કૌશલ્યસભર લોકોની કમી નથી, કમી તેને સન્માન આપનારાઓની છે.
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં રોજગારના મુદ્દે બોલતા જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્પાદન પર ચીનનો કબ્જો છે અને જો ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ન સુધર્યું તો સામાજિક સમસ્યા પેદા થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રાજકારણમાં નફરતનું વાતાવરણ છે. તેમણે ભારત જોડો યાત્રા દ્વારા પ્રેમ અને ભાઈચારાના રાજકારણનો પ્રારંભ કર્યો છે.
ભાજપ અને આરએસએસ મહિલાઓની ભૂમિકા ફક્ત ઘરે રહેવા અને જમવાનું બનાવવા પૂરતી મર્યાદિત રાખવા માંગે છે.
ભારતમાં રોજગારીના મુદ્દાને મહત્ત્વનો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેની પાછળનું કારણ છે કે ઉત્પાદન ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમણે ચીનનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ચીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન આપ્યું છે અને તેના લીધે ત્યાં રોજગારની તકલીફ નથી. ભારતની મોટાભાગની ચીજવસ્તુઓ મેડ ઇન ચાઇના છે. તેની સાથે તેમણે ભારતીય બેન્કો દ્વારા મોટા બિઝનેસમેનોની લોન માફ કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યો. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ૨૫ લોકોનું ૧૬ લાખ કરોડ રુપિયાનું દેવુ માફ કરી દેવાય છે. આટલી રકમમાં કેટલીય ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી શકાય, પરંતુ અમે ઋણ માફીની વાત કરીએ તો મીડિયા અમને સવાલ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે અમારી સાથે સંવાદના દરેક માધ્યમો બંધ કરી દેવાયા હતા અને તેના લીધે અમારે લોકો સાથે સીધો સંવાદ કરવાની ફરજ પડી. આ જ કારણસર ભારત જોડો યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રાએ મને લોકો સાથે જોડાતા શીખવ્યું.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય પુરુષોએ મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. તેઓ રાજકારણમાં મહિલાઓની ભાગીદારીને સમર્થન આપે છે. તેથી જ તેમણે મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે.
મહિલાઓ જો પોતાનો કારોબાર શરૂ કરવા માંગતી હોય તો તેને નાણાકીય સમર્થન આપવું જોઈએ. ભાજપ અને આરએસએસ મહિલાઓને એક ખાસ ભૂમિકા સુધી જ મર્યાદિત કરી દેવા માંગે છે. તેઓ માને છે કે મહિલાઓએ ઘરે રહેવું જોઈએ અને રાંધવું જોઈએ. બહુ વાતો ન કરવી જોઈએ. અમે માનીએ છીએ કે મહિલાઓને તેમની ઇચ્છા હોય તે કરવા દેવું જોઈએ.
રાહુલ ગાંધીએ મહાભારતના એકલવ્યનો અંગૂઠો છીનવી લેવાયો તેને ટાંકીને જણાવ્યું હતું કે ભારતમાં લાખો કૌશલ્યસભર લોકોને કોરાણે મૂકી દેવાય છે. ભારતમાં કૌશલ્યસભર લોકો નથી તેવું નથી, પરંતુ તેમના કૌશલ્યને સન્માન આપનાર નથી.