કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પ્રધાનમંત્રી હોદ્દાને લઈને એક મોટો દાવો કર્યો છે.
કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પ્રધાનમંત્રીના હોદ્દાની લાલચ કોણે આપી હતી? આ સવાલ એટલા માટે છેડાયો છે કે આજે ખુદ ગડકરીએ ખુલાસો કર્યો છે કે એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ તેમને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન પદનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે તેને ફગાવી દીધો હતો. પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયા સમુદાયને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું, “મેં વિપક્ષના વરિષ્ઠ નેતાને કહ્યું હતું કે હું એક વિચારધારા અને માન્યતાને અનુસરતો વ્યક્તિ છું. હું એવી પાર્ટીમાં છું જેણે મને જે જોઈતું હતું તે બધું આપ્યું છે એટલે આવો કોઈ પ્રસ્તાવ મને લલચાવી નહીં શકે.
ગડકરીએ પીએમ હોદ્દાને લઈને દાવો તો કરી દીધો છે પરંતુ તેમણે આ વિપક્ષી નેતાનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલા એક ખાસ વરિષ્ઠ વિપક્ષી નેતાએ તેમનો સંપર્ક કર્યો હતો. નેતાનું એવું માનવું હતું કે ભાજપને સંપૂર્ણ બહુમતી નહીં મળે અને તેને સરકાર બનાવવા માટે કેટલાક વિરોધ પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે. “મેં તેને સ્પષ્ટપણે કહ્યું કે હું અમુક સિદ્ધાંતો અને માન્યતાઓ સાથે ઉછર્યો છું અને હું તેની સાથે સમાધાન નહીં કરું.
નીતિન ગડકરીના આ દાવાને તેમની નારાજગી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. આમેય તેઓ અવારનવાર ખુલીને સરકારની વિરૃદ્ધમાં આવતાં હોય છે અને વખતોવખત પાર્ટી અને સરકારને સલાહ આપતા પણ અચકાતા નથી. પીએમના હોદ્દાનો દાવો કરીને ગડકરીએ ફરી એક વાર સરકાર અને ભાજપને સંદેશ આપી દીધો છે.