ભુજ થી અમદાવાદની વચ્ચે ૧૬ સપ્ટેમ્બરથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન થશે શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી સજ્જ સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે. આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર ૦૯૪૦૪ ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન સેવા ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ભુજથી ૧૬:૦૫ કલાકે ઉપડશે અને ૨૨:૧૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર ૯૪૮૦૧ અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી દરરોજ (શનિવાર સિવાય) અમદાવાદથી ૧૭:૩૦ કલાકે ઉપડશે અને ૨૩:૧૦ કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ થી દરરોજ (રવિવાર સિવાય) ભુજથી ૦૫:૦૫ કલાકે ઉપડશે અને ૧૦:૫૦ કલાકે અમદાવાદ પહોંચશે. રૂટ પર બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન ૧૨ કોચવાળી વંદે મેટ્રો ટ્રેન સેટ છે.