દિલ્હી લિકર પોલિસી કેસમાં ૧૭૭ દિવસ જેલમાં રહ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપતા સૌને ચોંકાવી દીધા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચી રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું બે દિવસની અંદર રાજીનામું આપી દઈશ. હવે જ્યાં સુધી પ્રજા પોતાનો નિર્ણય ન સંભળાવે, ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદ પર નહીં બેસું.’ કેજરીવાલની આ ગેમે સૌને ચોંકાવી દીધા છે. દિલ્હીમાં થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કેજરીવાલનો આ નિર્ણય સૌને ચોંકાવી રહ્યો છે. જો કે કેજરીવાલે સૌને અચંબામાં મુક્યા હોય, તેવું પ્રથમવાર બન્યું નથી.
કેજરીવાલે વર્ષ ૨૦૧૪માં પણ તમામને ચોંકાવી દીધા હતા
દિલ્હીમાં ફેબ્રુઆરી-૨૦૨૫માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કેજરીવાલની વાત કરીએ તો, તેઓ આંદોલનના પડકારોમાંથી ઉભરી આવી રાજકારણમાં આવ્યા બાદ છેલ્લા એક દાયકાથી દિલ્હીના રાજકારણમાં સક્રિય છે. આમ આદમી પાર્ટી વર્ષ ૨૦૧૩થી દિલ્હીની સત્તા પર છે, ત્યારેથી જ કેજરીવાલ હંમેશા ચોંકાવનારા નિર્ણયો કરતા રહે છે.
વિધાનસભા ચૂંટણી-૨૦૧૩માં ૭૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આઠમી ડિસેમ્બરે જાહેર થયું હતું. આ દરમિયાન ભાજપે ૩૨, આમ આદમી પાર્ટીએ ૨૮ અને કોંગ્રેસે આઠ બેઠકો જીતી હતી. કેજરીવાલે કોંગ્રેસનું સમર્થન મેળવીને સરકાર બનાવી હતી, પરંતુ આ સરકાર ૫૦ દિવસ પણ ટકી શકી ન હતી. તેમણે મુખ્યમંત્રી બન્યા બાદ ૪૯ દિવસમાં રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, અમે જન લોકપાલ બિલ પાસ કરાવી શક્યા નથી, તેથી હું મુખ્યમંત્રી પદ છોડી રહ્યો છું. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ અને કેજરીવાલની પાર્ટીએ એકલા હાથે બહુમતી મેળવી હતી.
કેજરીવાલે રાજીનામાની કરી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરીને કહ્યું છે કે, ‘હું બે દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ. હું ઈચ્છું છું કે, દિલ્હીમાં વહેલી તકે ચૂંટણી યોજાય. હું કહેવા માંગુ છું કે, હું મુખ્યયંત્રી પદ બેસીસ નહીં અને મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી બનશે નહીં. હું અને સિસોદિયા પ્રજા વચ્ચે જઈશું. હું સીએમની ખુરશી પર ત્યાં સુધી નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો નહીં આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા ૧૦ વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો છે. આગામી મુખ્યમંત્રી અંગે વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાશે.’