વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (વન નેશન-વન ઇલેક્શન)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ કેન્દ્ર સરકારને વન નેશન-વન ઈલેક્શનની સંભાવના અંગે માર્ચ મહિનામાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે કોઈ મંતવ્યો આપ્યા હતા, તેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરવામાં આવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિની ભલામણનું સમર્થન આપ્યું સરકારે
આ બંનેની ચૂંટણી યોજ્યાના ૧૦૦ દિવસમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી યોજવાની પણ ભલામણ કરી હતી. હાલના તબક્કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વન નેશન-વન ઈલેક્શનની પણ ભલામણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને વન નેશન વન ઈલેક્શન યોજવા માટે અનુરોધ કરું છું, જે અત્યારના સમયની જરુરિયાત છે.
૩૨ રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે ૬૨ પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા ૪૭ પક્ષમાંથી ૩૨ પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે પંદર પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.
ચૂંટણી પરના ખર્ચમાં બચત થઈ શકે
કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોક્સ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.