વડાપ્રધાન મોદી: જમ્મુ-કાશ્મીરના યુવાનો ૩ પરિવારની વિરુદ્ધ…
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ ૬૧.૩ % મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. જેના ભાગરૂપે આજે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. જેમાં તેઓએ પક્ષના ઉમેદવારો માટે મતદાનની માગ કરતાં નિવેદન આપ્યું હતું કે, પ્રથમ વખત ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાઈ છે.
શ્રીનગરમાં રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ બમ્પર મતદાન માટે જનતાનો આભાર માન્યો હતો. તેમજ રાહુલ ગાંધીની ‘મોહબ્બત કી દુકાન’ના નિવેદન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, “આ લોકોએ નફરતની દુકાનો ખોલી છે, તેઓએ સ્કૂલોમાં આગચંપી, યુવાનોને અભ્યાસથી દૂર રાખવા અને તેમના હાથમાં પથ્થરો આપ્યા હતાં.”
વડાપ્રધાને કહ્યું કે, “મેં અગાઉ પણ કહ્યું હતું કે, ત્રણ પરિવારોએ કાશ્મીરને બરબાદ કરી દીધો છે અને હવે તે હેરાન છે. આ પરિવાર વિચારે છે કે, તેમની પાસે જમ્મુ-કાશ્મીરને લૂંટવાનો અધિકાર છે. પરંતુ જમ્મુ અને કાશ્મીર આ પરિવારોની પકડમાં રહેશે નહીં.”