US કોર્ટના નિર્ણયથી ભડક્યું વિદેશ મંત્રાલય.
ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના આરોપમાં અમેરિકાની કોર્ટે ભારત સરકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે. કોર્ટના આ નિર્ણયથી ભારત સરકાર નારાજ થયું છે અને વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં નિર્ણયને ખોટો ગણાવ્યો છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, અમેરિકાની કોર્ટનો નિર્ણય તદ્દન ખોટો છે અને અમે તેના વિરુદ્ધ વાંધો વ્યક્ત કરીએ છીએ. ન્યૂયોર્ક સ્થિત દક્ષિણ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભારત સરકાર , રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ , રૉના પૂર્વ પ્રમુખ સામંત ગોયલ , રૉ એજન્ટ વિક્રમ યાદવ અને બિઝનેસમેન નિખિલ ગુપ્તા ના નામે સમન્સ જારી કર્યું છે. ડિસ્ટ્રીક કોર્ટે તમામ પક્ષોને ૨૧ દિવસમાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે.
વિદેશ સચિવે અમેરિકાની કોર્ટના સમન્સ પર કહ્યું કે, ‘આ કેસ પહેલીવાર અમારે ધ્યાને આવ્યો હતો, ત્યારે અમે કાર્યવાહી કરી હતી. અમે આ કેસમાં પહેલેથી જ હાઈલેવલની કમિટીની રચના કરી છે અને તે તપાસ પણ કરી રહી છે. હવે હું તે વ્યક્તિ વિશે કહેવા માંગું છું, જેણે આ કેસ નોંધાવ્યો છે. સૌકોઈ ગુરપતવંત સિંહ પન્નુનો ઈતિહાસ જાણે છે, તે ગેરકાયદેસર સંગઠન સાથે જોડાયેલો છે અને તે તમામ લોકો જાણે છે.’
અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુનું એક્સિડન્ટ થયુ હતું. આ મામલે અમેરિકાએ ગત વર્ષે જૂન મહિનામાં નિખિલ ગુપ્તા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં એક ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.