ગઇકાલે વલસાડમાં રેલ્વે સ્ટેશન પર પાટા પર આવતી ટ્રેન સામે યુવકે પડતું મુકયુ હતુ. ત્યારે યુવકે આત્મહત્યા કરતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
વલસાડ રેલવે સ્ટેશન પર ગઇ કાલે સાંજના સમયે એક યુવકે ટ્રેન સામે કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. ત્યારે આ ઘટનાને લઇ ચકચાર મચી છે. રેલ્વે સ્ટેશનના સીસીટીવીમાં આ આત્મહત્યાની ઘટના કેદ થઇ છે. જેમાં ટ્રેનની રાહ જોતા યુવાને ટ્રેન નજીક આવતાં જ ઝડપથી ચાલીને અચાનક જ ટ્રેક પર કૂદકો માર્યો હતો. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર બુધવારની રાત્રિના સમયે મુંબઈથી સુરત તરફ જતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ આવવાના સમય દરમિયાન પ્લેટફોર્મ પર યુવક ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. જેમાં પ્લેટફોર્મની નજીક ટ્રેન આવતાં જ યુવક ઝડપથી ચાલીને અચાનક એન્જિન આગળ કૂદકો લગાવી દે છે.
પૂરપાટ ઝડપે આવતી ટ્રેન આગળ પડતું મૂકી દેતાં અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટના સર્જાતા ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના પાઇલટે કંટ્રોલ રૂમ મારફત વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરતા તેઓએ વલસાડ GRPની ટીમને ઘટનાની જાણ કરી હતી.
વલસાડ GRPની ટીમે યુવકની લાશની પ્રાથમિક તપાસ કરતાં યુવકની ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હતા. ત્યારે GRP ટીમે યુવકના ફોટા આસપાસના અગ્રણીઓને મોકલાવી અજાણ્યા યુવકની લાશને ઓળખવાનો પ્રયાસ હાથ ધર્યો છે.