લેબનોન અને સીરિયામાં પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ જોરદાર પલટવાર કર્યો છે. શુક્રવારે ઉત્તરી ઈઝરાયેલના જુદા જુદા વિસ્તારોમાં ૧૪૦ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ વાતની પૃષ્ટી ખુદ ઈઝરાયેલી સેનાએ કરી છે. તેમણે જણાવ્યું કે આજે બપોરે લેબનોનની સરહદે ત્રણ બાજુથી હુમલો કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાએ કહ્યું કે તેના કટ્યુષા રોકેટોએ હવાઈ સંરક્ષણ બેઝ અને ઇઝરાયેલી સશસ્ત્ર બ્રિગેડના મુખ્ય મથક સહિત સરહદ પારના અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા.
હિઝબુલ્લાહે એ પણ સ્પષ્ટતા કરી કે આ રોકેટ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાના બદલામાં છોડવામાં આવ્યા છે. ગુરુવારે લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ અઠવાડિયે સંચારના ઉપકરણોથી જીવલેણ હુમલો ગંભીર બાબત છે અને તેણે તમામ હદો પાર કરી દીધી છે. નસરાલ્લાહે એમ પણ કહ્યું કે હવે તેમનું સંગઠન વધુ મજબૂત બનીને ઉત્તર ઇઝરાયેલમાં હુમલાઓ કરશે. નસરાલ્લાએ કોઇ અજ્ઞાત સ્થળેથી વિડીયો જારી કરીને ટેલિવિઝન પર પ્રસારણ કર્યું હતું.
આ અઠવાડિયે લેબનોન અને સીરિયામાં પેજર અને અન્ય કોમ્યુનિકેશન ઉપકરણોના વિસ્ફોટથી એ ભય ઉભો થયો છે કે ૧૧ મહિનાઓથી ચાલી રહેલી ગોળીબારી મોટા યુદ્ધમાં પરિણમી શકે છે. આ વિસ્ફોટોમાં ૩૭ લોકોના મોત થયા હતા અને ૩,૦૦૦ લોકો ઘાયલ થયા છે. નસરાલ્લાહે કહ્યું કે સંગઠન બે દિવસથી તપાસ કરી રહ્યું હતું કે હુમલાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો છે.
આ હુમલો ઇઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ હિઝબુલ્લાએ કહ્યું હતું કે તેણે સરહદ નજીક ઉત્તરી ઇઝરાયેલમાં ૩ લશ્કરી સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેમાંથી ૨ હુમલાઓ ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ડ્રોન વસાહતની નજીક પહોંચતા જ ક્રેશ થયું હતું.