તિરુપતિ લાડુ વિવાદ પર આખા દેશમાં હંગામો ચાલી રહ્યો છે. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની સરકાર સમયે લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી મિલાવવામાં આવી છે.
તિરુપતિ લાડુ વિવાદ પર આખા દેશમાં હંગામો ચાલી રહ્યો છે. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી મિલાવવામાં આવી છે. આ મામલે સીએમ નાયડુ અને વાયએસઆરપી ચીફ જગન મોહન રેડ્ડી વચ્ચે વિવાદ ચાલુ છે. જગન રેડ્ડીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પ્રતિષ્ઠાને લાંછન લગાવી રહ્યા છે.
જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે ચંદ્રાબાબુ નાયડુ ખોટું બોલવાવાળા વ્યક્તિ છે. રાજકીય હેતુઓ માટે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે તેઓ આટલા નીચા સ્તરે ઉતરી ગયા છે. એ જરૂરી છે કે જુઠ્ઠાણું ફેલાવવાના તેમના બેશરમ કૃત્ય માટે નાયડુને ઠપકો આપવામાં આવે અને સચ્ચાઇને સામે લાવો. આનાથી નાયડુ દ્વારા કરોડો હિન્દુ ભક્તોના મનમાં ઉભી થયેલી શંકાઓ દૂર થશે અને ટીટીડીની પવિત્રતામાં વિશ્વાસ પુન:સ્થાપિત થશે.
અગાઉ ટીડીપી સુપ્રીમો એન.ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે અગાઉની વાયએસઆરસીપી સરકારે તિરુપતિના પ્રસાદ લાડુને બનાવવામાં હલકી ગુણવત્તાની સામગ્રી અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. ટીડીપીએ દાવો કર્યો હતો કે ગુજરાત રહેલી લેબમાં ભેળસેળની પુષ્ટિ થઈ છે. ટીડીપીના પ્રવક્તા અનમ વેંકટા રમના રેડ્ડીએ એક પત્રકાર પરિષદમાં કથિત લેબ રિપોર્ટ બતાવ્યો હતો. તેમાં આપવામાં આવેલા ઘીના નમૂનામાં પ્રાણીઓની ચરબીની પુષ્ટિ થઈ છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ગિરિરાજ સિંહે આ મામલે તપાસની માંગ કરી છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ચંદ્રબાબુ નાયડુ પાસે રિપોર્ટ માંગ્યો છે. આ વિવાદને પગલે મંત્રી આર રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના તમામ મંદિરોને આદેશ આપ્યો છે કે તેઓ પ્રસાદ અને ભક્તોને આપવામાં આવતા ભોજનની તૈયારી માટે માત્ર નંદિની ઘીનો જ ઉપયોગ કરે.