હવામાન વિભાગ દ્વારા વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં (૨૨ સપ્ટેમ્બર સુધી) ૧૨૫.૨૮ % વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદના વિરામ બાદ જોવા મળ્યો હતો. જોકે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આજથી આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૩ સપ્ટેમ્બરે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર જિલ્લાના અમુક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને ૨૨ સપ્ટેમ્બરના રોજ સવારના ૦૬:૦૦ થી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૧૨ તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડ અને ઉમરગામમાં ૧૮ મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડ, ઉમરગામ ૧૮ મીમી, ઓલપાડ ૧૫ મીમી, પારડી ૯ મીમી, વાપી ૭, વિજયનગર અને જલાલપોરમાં ૫ મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં (૨૨ સપ્ટેમ્બર સુધી) ૧૨૫.૨૮ % વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં ૧૮૩.32 %, ઉત્તર ગુજરાતમાં ૧૦૭.૭૬ %, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨૧.૩૮ %, સૌરાષ્ટ્રમાં ૧૨૯.૮૦ % અને દક્ષિણ ગુજરાતમાં ૧૨૯.૫૭ % વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો સંગ્રહ ૩૨૪૨૬૬ mcft છે. જે કૂલ સંગ્રહ ક્ષમતાના ૯૭.૦૬ % જેટલી છે. રાજયના અન્ય ૨૦૬ જળાશયોમા સંગ્રહ ૫૦૦૯૫૧ mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૮૯.81 % છે. ૧૦૦ % ભરાયેલા ડેમની સંખ્યા ૧૦૯ છે.