ઈઝરાયલે લેબેનોનવાસીઓને પહેલા આપી ચેતવણી, પછી કર્યો ભયાનક હુમલો, ૨૭૦થી વધુના મોત.
લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયેલ વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ હિઝબુલ્લાના લોકો ઈઝરાયેલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, તો બીજી રતફ ઈઝરાયલ પણ લેબેનોનમાં મોત વરસાવી રહ્યું છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈઝરાયલે આજે (૨૩ સપ્ટેમ્બર) ફરી લેબેનોનમાં મોટો હુમલો કર્યો છે, જેમાં ૨૭૦થી વધુ લોકોના મોત અને ૧૦૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને વચ્ચે સામસામે ભયાનક હુમલા થયા બાદ ઈઝરાયેલે દેશમાં એક અઠવાડિયું ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાના ૩૦૦થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યાનું સ્વીકાર્યું છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, હુમલો કર્યા પહેલા અમે આસપાસના લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી હતી. ઈઝરાયલે જે ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, તેમાં હિઝબુલ્લાએ હથિયારો અને રૉકેટ છુપાવીને રાખ્યા હતા. સ્કાય ન્યુઝના રિપોર્ટ મુજબ લેબેનોનના સિડોન શહેરમાં લગભગ ત્રણ હુમલા કરવામાં આવ્યા છે.
ઈઝરાયલી સરકારના પ્રવક્તા ડેવિડ મેનસરે હિઝબુલ્લા સાથે ચાલી રહેલી અથડામણ અંગે કહ્યું કે, ‘ઈઝરાયલની ધીરજ તૂટી નથી. હિઝબુલ્લાએ ઈઝરાયલ પર ૯૦૦૦થી વધુ રૉકેટો ઝીંક્યા છે. આ હુમલામાં ૪૮ લોકોના મોત અને ૩૨૫ ઈઝરાયલી લોકો ઈજાગ્રસ્ત થયા છે. આઇડીએફએ લેબેનોનમાં મિસાઇલ અટેક કરતાં પહેલા ત્યાંના રહેવાસીઓને સ્થળ ખાલી કરવાની અપીલ કરી હતી.’
હુમલા બાદ લેબેનોનમાં શાળાઓને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. લોકો સલામત સ્થળે જતાં જોવા મળ્યા હતા. અનેક શહેરોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી છે. સતત ચોથા દિવસે ઈઝરાયલનો આ મિસાઇલ હુમલો છે. આ સમયગાળા દરમિયાન લેબેનોનના શહેરો પર ૯૦૦થી વધુ મિસાઇલો ઝીંકવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે.
પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે સોમવારે કહ્યું કે, લેબનોનમાં ઇઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે હિંસા વધી છે, તે જોતા અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધારાના સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધવાનો ખતરો છે. અમેરિકાએ કેટલા વધારાના દળો મોકલવામાં નિર્ણય તો કર્યો છે, જોકે તેઓને શું કામ સોંપવામાં આવશે, તે અંગે કોઈ વિગતો આપી નથી. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં હાલમાં અમેરિકાના લગભગ ૪૦,૦૦૦ સૈનિકો તહેનાત છે.
હિઝબુલ્લાએ ઈઝરાયલ પર ભયાનક હુમલો કર્યો હતો, જેમાં તેણે ૧૧૫થી વધુ રૉકેટો ઝીંકાયા હતા. આ હુમલામાં અનેક ઇમારતોને નુકસાન થયું હતો, તો અનેક કારો પણ સળગી ગઈ હતી. સૌથી વધુ ઉત્તરના હાઈફા શહેરમાં મોટી તબાહી મચી હતી. હિઝબુલ્લાએ ઉત્તર સ્થિત એક લશ્કરી ઍરપૉર્ટને નિશાન બનાવ્યું હતું. હુમલા બાદ જેજ્રેલ, ગોલા હાઇટ્સ સહિતના અનેક સ્થળે સાયરનો વાગવા લાગી હતી. સૌથી વધુ હાઈફામાં ખુવારી સર્જાઈ છે, જ્યાં અનેક બિલ્ડિંગોને નુકસાન થયું છે, તો અનેક કારો આગમાં લપેટાઈ ગઈ છે.
હિઝબુલ્લાના હુમલા બાદ ઈઝરાયલે પણ વળતો જવાબ આપ્યો હતો. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં અનેક મિસાઇલો ઝીંકી હતી અને હિઝબુલ્લા વિરુદ્ધ હુમલા ચાલી રાખવાની કસમ ખાધી છે. રૉકેટ હુમલા બાદ ઈઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડોએ શાળાઓ, સભાઓ અને આંદોલનો બંધ રાખવાની જાહેરાત કરી છે. હિઝબુલ્લાએ હુમલાની જવાબદારી લઈને કહ્યું કે, અમે હથિયાર બનાવતી કંપની રાફેલને નિશાન બનાવી રહ્યા હતા. ઈઝરાયલી સેનાએ એક પોસ્ટમાં કહ્યું કે, હિઝબુલ્લાના આતંકવાદીઓ અમારા નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. અમારા હજારો નાગરિકો બોમ્બ શેલ્ટરમાં છુપાવા મજબૂર થયા છે.