‘ભાજપ સત્તામાં આવશે તો…’ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ૩૦ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.
રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન આપેલા નિવેદનોનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે તમિલનાડુના ચેન્નઈમાં ભાજપ નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે અલગ-અલગ જિલ્લાની 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતા ડૉ. વેંકટેશ મૌર્યએ અમેરિકામાં રાહુલ ગાંધીના અનામત મુદ્દે આપેલા નિવેદન પર ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં મૌર્યએ કહ્યું છે કે, ‘રાહુલ ગાંધીએ જાહેરમાં દાવો કર્યો હતો કે, ભાજપ સત્તામાં આવશે તો એસસી-એસટી અને ઓબીસી અનામત ખતમ કરી દેશે.’
ભાજપ નેતા વેંકટેશ મૌર્યએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું કે, ‘વિપક્ષના નેતા અને સાંસદ હોવાના કારણે રાહુલ ગાંધીએ દેશની બહાર આ પ્રકારની વાત ન કરવી જોઈએ. તે દેશની અંદર કંઈ પણ બોલી શકે છે. વિદેશમાં તેઓએ ભારત સરકાર, એસસી-એસટી અને ઓબીસી સંબંધિત દુષ્પ્રચાર કર્યો છે. અમે પોલીસમાં રાહુલ ગાંધીની સામે ફરિયાદ કરીને તેમની સામે દેશ વિરોધી કલમો હેઠળ ગુનો નોંધવાની માગ કરી છે. જરૂર પડે તેમની ધરપકડ પણ થવી જોઈએ. અમે સ્પીકર પાસે પણ માગ કરી છે કે, તેમનું સંસદનું સભ્યપદ રદ કરી દેવું જોઈએ. અમે ૩૦ સપ્ટેમ્બરે ચેન્નઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેઓએ પોતાના નિવેદનને લઈને માફી માંગવી જોઈએ.’