શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં દોષિત ઠર્યા છે. ગુરુવારે તેને ૧૫ દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટ દ્વારા ૨૫,૦૦૦ નો દંડ ફટકારવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદને ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડૉ. મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને ૧૫ દિવસની સાદી કેદની સજા ફટકારી છે, અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે.
ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાઉતે મીરા ભાયંદરમાં સાર્વજનિક શૌચાલયના નિર્માણમાં રૂ. ૧૦૦ કરોડના કૌભાંડમાં સામેલ હોવાના તેના અને તેના પતિ પર પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતામાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ દૂષિત નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યા અને સાંભળ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે, ‘મીડિયામાં આરોપીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદન અપમાનજનક છે. સામાન્ય જનતા સમક્ષ મારી ઈમેજને કલંકિત કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા.