આરબ રાષ્ટ્રો સાથેના ઈઝરાયલના અણબનાવથી આખી દુનિયા પરિચિત છે. તાજેતરમાં ઈઝરાયલ એના પરંપરાગત દુશ્મન પેલેસ્ટાઇન અને પડોશી દેશ લેબેનોન સાથે ‘વૉર-મોડ’માં છે. આરબ રાષ્ટ્રોને ઈઝરાયલ વિરુદ્ધ ભડકાવવાનો આરોપ ઈઝરાયલ હંમેશથી ઈરાન પર લગાવતું રહ્યું છે, જે સંદર્ભે તાજેતરમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુનાઇટેડ નેશન્સ(યુ.એન.) ખાતે આપેલ ભાષણમાં ઈરાનને આડેહાથે લઈને કડક ભાષામાં ખુલ્લેઆમ ચીમકી આપી હતી.
યુ.એન.માં ભાષણ આપતી વખતે ઈઝરાયલના વડાપ્રધાન આક્રમક મૂડમાં હતા. ભાષણ દરમિયાન તેમણે બે નકશા બતાવ્યા હતા જેમાં જમણા હાથમાં પકડેલા નકશામાં ઈરાન અને એના પડોશી દેશો ઈરાક, સીરિયા અને યમનને કાળા રંગમાં દર્શાવવામાં આવ્યા હતા. નેતન્યાહુએ તેમને ‘ધ કર્સ’ (શ્રાપ) તરીકે ઓળખાવ્યા હતા. તેમના ડાબા હાથમાં બીજો નકશો હતો જેમાં અન્ય દેશો સહિત ભારતને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું.
નેતન્યાહુએ ડાબા હાથમાં પકડેલા નકશામાં ઇજિપ્ત, સુદાન, સાઉદી અરેબિયા અને ભારતને લીલા રંગમાં દર્શાવવામાં આવ્યા હતા અને એ દેશોને તેમણે ‘ધ બ્લેસિંગ’ (આશીર્વાદ) તરીકે ઓળખાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરનાર પ્રથમ વિશ્વ નેતાઓમાંના એક હતા. ભારતે સંપૂર્ણ યુદ્ધવિરામની હાકલ કરી છે.
ગાઝા યુદ્ધ પછી યુ.એન. ખાતેના તેમના પ્રથમ ભાષણમાં ઈઝરાયલના વડાપ્રધાને કડક ભાષામાં ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે મધ્યપૂર્વમાં ફેલાયેલી અંશાતિનું દોષી ઈરાનને ગણાવ્યું હતું. તેમણે ઈરાનને જલદ ભાષામાં ચેતવણી આપતાં કહ્યું હતું કે, ‘મારી પાસે તેહરાન (ઈરાનની રાજધાની) માટે એક સંદેશ છે, અને તે એ કે, જો તમે અમારા પર હુમલો કરશો તો અમે તમારા પર વળતો પ્રહાર કરશું. ઈરાનમાં એવું કોઈ સ્થળ નથી જ્યાં ઈઝરાયેલના હાથ ન પહોંચી શકે. અને આ વાત સમગ્ર મધ્ય-પૂર્વને લાગુ પડે છે.’
નેતન્યાહુએ વિશ્વભરના દેશોને સંબોધીને કહ્યું હતું કે, ‘આ નકશા ફક્ત ઈઝરાયલને નહીં, આખી દુનિયાને લાગુ પડે છે. દુનિયાએ હવે ‘આશીર્વાદ’ અને ‘શ્રાપ’ વચ્ચે પસંદગી કરી લેવી જોઈએ. દુનિયાને વારેવારે અશાંતિ તરફ ધકેલનારા ઈરાનને ખુશ કરવાનું હવે બંધ કરો.’
નેતન્યાહુએ જે નકશા બતાવ્યા એમાં પડોશી દેશોના અમુક વિસ્તાર ઈઝરાયલની માલિકીના હોય એ રીતે દર્શાવ્યા હતા. બંને નકશામાં પેલેસ્ટાઇનના ‘વેસ્ટ બેંક’ અને ‘ગાઝા’ વિસ્તારને ઈઝરાયલના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત નકશામાં સીરિયાના ‘ગોલાન હાઇટ્સ’ ક્ષેત્રને પણ ઈઝરાયલનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો.
નેતન્યાહુએ પેલેસ્ટાઇનને પણ ચેતવણી આપતાં કહ્યું હતું કે, ‘ઈઝરાયલ શાંતિ ઈચ્છતું રાષ્ટ્ર છે. પેલેસ્ટિનિયનોએ યહૂદીઓ વિરુદ્ધ દ્વેષ ફેલાવવાનું બંધ કરવું જોઈએ અને યહૂદી રાષ્ટ્ર સાથે સમાધાન કરી લેવું જોઈએ.’
ઈતિહાસ સાક્ષી પૂરે એમ છે કે ઈઝરાયલને લગભગ તમામ આરબ રાષ્ટ્રો સાથે બનતું નથી, પણ આ વખતે ઇજિપ્ત, સુદાન અને સાઉદી અરેબિયા રાષ્ટ્રોને ‘આશીર્વાદ’રૂપ ગણાવીને ઈઝરાયલ તેમની સાથે હૂંફાળા સંબંધો શરૂ કરવા ઈચ્છુક હોવાનો સંદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૨૪ માં ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હનીયેહની હત્યા બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. એપ્રિલ ૨૦૨૪ માં સીરિયામાં ઈરાનની એમ્બેસી પર થયેલા હુમલા બાદ ઈરાને પ્રથમ વખત ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો હતો. નેતન્યાહુએ યુ.એન.માં આપેલ ચેતવણીઓ મધ્યપૂર્વમાં સળગી રહેલા યુદ્ધના દાવાનળમાં ઈંધણનું કામ કરે છે કે પછી શાંતિ બહાલ કરવામાં નિમિત્ત બને છે, એ તો સમય જ કહેશે.