સપ્ટેમ્બર મહિનો પૂરો થવા પર છે અને આવતીકાલે ઓક્ટોબર શરૂ થવાનો છે, ઓક્ટોબરના પ્રથમ દિવસથી કેટલાક મોટા ફેરફારો થવાના છે. આમાંથી કેટલાકની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.
આજે સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખ છે અને આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની પહેલી તારીખ થોડા નિયમોમાં ફેરફાર થાય છે અને ઓક્ટોબરના પહેલા દિવસે પણ કેટલાક મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા પર પડશે. ઓક્ટોબરમાં ખાસ કરીને એલપીજીની કિંમતથી લઈને આધાર અને નાની બચત યોજનાઓના નિયમોમાં ફેરફાર સુધી ઘણા ફેરફાર થશે.
એલપીજીની કિંમતોમાં ફેરફાર
ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીનું મૂલ્યાંકન કરે છે અને તેના આધારે કંપનીઓ તેમની કિંમતોમાં પણ ફેરફાર કરી શકે છે. દર મહિનાની પહેલી તારીખે ઘરેલું અથવા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર
આ યોજનામાં ૧ ઓક્ટોબર ૨૦૨૪ થી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમો હેઠળ, જે ખાતાઓ કાયદેસર માતાપિતા દ્વારા ખોલવામાં આવ્યા ન હતા, એટલે કે છોકરીના દાદી-દાદા કે બીજા કોઈએ દ્વારા ખોલવામાં આવ્યા છે એ ખાતાઓ હવે ફરજિયાત માતા-પિતાના નામે ટ્રાન્સફર કરવાના રહેશે.
સિમ કાર્ડ નિયમો
૧ ઓક્ટોબરથી સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે. ટ્રાઈના નવા નિયમ હેઠળ હવે યુઝર્સ માટે તેમના વિસ્તારમાં કયું નેટવર્ક ઉપલબ્ધ છે તે જાણવું સરળ બનશે. ટ્રાઈએ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને આને લગતા નવા નિયમો લાગુ કરવા કહ્યું છે. ટ્રાઈના નવા નિયમો અનુસાર હવે ટેલિકોમ કંપનીઓએ પોતાની વેબસાઈટ પર જ આ માહિતી આપવી પડશે.
આધાર કાર્ડ
૧ ઓક્ટોબરથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થશે. બજેટમાં આધાર નંબરને બદલે આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપતી જોગવાઈને બંધ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ નિર્ણયથી PANનો દુરુપયોગ અને ડુપ્લિકેશન ખતમ થઈ જશે.
HDFC ક્રેડિટ કાર્ડ
જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને પણ ૧ ઓક્ટોબરથી અસર થશે. HDFC બેંકે તેના કેટલાક ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામ અંગે ફેરફારો કર્યા છે. HDFC બેંકે SmartBuy પ્લેટફોર્મ પર Apple ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના રિડેમ્પશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે.