રવિવારે પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા વડોદરામાં ફરી પૂરનું સંકટ : અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદ.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને ગીરસોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા, તલાલા પંથકમાં દે ધનાધન વરસાદ વરસાવવાની સાથે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.વડોદરામાં તો ચાર કલાકમાં જ સાડાત્રણ ઈંચથી વધુ વરસાદ વરસી જતા ફરી એક વખત પુરનું સંકટ તોળાઈ રહ્યું છે.
આજથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે રવિવારે મેઘરાજાએ વડોદરા જિલ્લામાં આફતરૂપે ચાર ઈંચ જેટલો વરસાદ વરસાવતા વડોદરામાં ફરી એક વાર પૂરનું સંકટ છવાયું હતું, રોડ રસ્તા પર પાણી જ પાણી વચ્ચે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો હતો ઉપરાંત આજવાની જળ સપાટીમાં પણ સતત વધારો થતા શહેરીજનોની ચિંતા વધવા પામી હતી.બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને ઉનામાં પણ ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા ચોતરફ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા બન્ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં વડોદરામાં ૯૬ મીમી, પાદરમાં ૭૩ મીમી, નર્મદાના ડેડિયાપાડામાં ૫૩ મીમી, ગિરસોમનાથના ગીરગઢડામાં ૪૮ મીમી, ઉનામાં ૪૪ મીમી, બોટાદના બરવાળામાં ૪૦ મીમી, તાલાલામાં ૩૦ મીમી, ધોલેરામાં ૩૦ મીમી, અમરેલીના ખાંભામા ૨૬ મીમી, બોટાદના ગઢડામાં ૨૩ મીમી, ભાવનગરના વલ્લભીપુરમાં ૨૩ મીમી, સુરેન્દ્રનગરના ચુડામાં ૨૦ મીમી, ભાવનગરના શિહોરમાં ૨૦ મીમી, ઉમરાળામાં ૧૯ મીમી, જૂનાગઢના મેંદરડામાં ૧૭ મીમી, પોરબંદરના કુતિયાણામાં ૧૫ મીમી, રાજકોટના જસદણમાં ૧૨ મીમી, ભાવનગરમાં ૧૧ મીમી સહિત રાજ્યના ૧૦૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યના કુલ ૨૦૬ પૈકી ૧૨૨ ડેમ ઓવરફ્લો થયા છે જેમાં સૌરાષ્ટ્ર – કચ્છના ૧૦૦ જળાશયો છલકાઈ ગયા છે. મધ્ય ગુજરાતના ૧૦ ડેમ, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે. પાણીની આવક થવાના કારણે રાજ્યના ૧૭૮ જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અથવા વોર્નિંગ પર છે. ૯૦ %થી વધુ છલકાઈ ગયા હોય તેવા ૧૫૮ ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે ૮૦ થી ૯૦ % સુધી ભરાયેલા ૧૩ ડેમ એલર્ટ પર અને ૭૦ થી ૮૦ % ભરાયેલા આઠ ડેમ વોર્નિંગ પર છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ૧૩૪.૪૦ % વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો ૧૮૪.૮૬ % વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં ૧૪૨.૧૨ % વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૮.૮૫ % વરસાદ અને મધ્ય ગુજરાતમાં સિઝનનો ૧૩૦.૩૧ % વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ૧૧૩.૦૭ % વરસાદ વરસી ચૂક્યો છે.