પાકિસ્તાનએ ૬ મંત્રાલય બંધ, દોઢ લાખ નોકરીઓનો અંત.
રોકડની તંગીથી ત્રસ્ત પાકિસ્તાને વહીવટી ખર્ચ ઘટાડવાના ભાગરૂપે ૧,૫૦,૦૦૦ સરકારી પોસ્ટ નાબૂદ કરવાની સાથે છ મંત્રાલયો બંધ કરવાની અને અન્ય બે મંત્રાલયોને ભેગા કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની નવી જાહેરાતો આઈએમએફ સાથે ૭ અબજ ડોલરની લોન મામલે થયેલી સમજૂતીના ભાગરૂપે છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ૨૬ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનને મંજૂર કરેલી લોનનો પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત ૧ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આઈએમએફએ પાકિસ્તાન સરકારને પોતાનો ખર્ચ ઘટાડવા, ટેક્સ વધારવા અને કૃષિ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રો પર ટેક્સ લગાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સબસિડી નાબૂદ કરવી જોઈએ અને કેટલીક યોજનાઓ પણ મર્યાદિત કરવી જોઈએ.
અમેરિકાથી પરત ફરેલા પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કહ્યું કે, ‘આઈએમએફ સાથે ડીલ કરવામાં આવી છે. આ અમારો છેલ્લો સોદો હશે. આ અંતર્ગત કેટલીક નીતિઓને અમલમાં મુકતા અમે સરકારી ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યા છીએ. છ મંત્રાલયો બંધ કરવામાં આવશે અને બેને મર્જ કરવામાં આવશે. આ સિવાય વિવિધ મંત્રાલયોમાં દોઢ લાખ સરકારી નોકરીઓનો અંત આવશે.’
પાકિસ્તાનના નાણામંત્રી વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે ટેક્સ વધારવાનો પણ પ્રયાસ કરીશું. ગયા વર્ષે ૩ લાખ વધારાના કરદાતા ઉમેરાયા હતા. તેમજ આ વર્ષે અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ નવા કરદાતાઓ જોડાયા છે. ટેક્સ નિયમો વધુ કડક કરવામાં આવશે. જે લોકો ટેક્સ નહીં ભરે તેમને પ્રોપર્ટી અને વાહનો ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહિ. જો પાકિસ્તાનને જી-૨૦ નો ભાગ બનવું હશે તો આપણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવી પડશે. હવે અમારી નિકાસ પણ વધી રહી છે.’