ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી હતી.
રવિન્દ્ર જાડેજા સૌથી ઝડપી ૩૦૦ વિકેટ અને ૩૦૦૦ ટેસ્ટ રન બનાવનારો ભારતીય બન્યો છે. તેણે બાંગ્લાદેશના ખાલિદ અહમદની વિકેટ લેતાંની સાથે જ આ ઉપલબ્ધી હાંસલ કરી હતી.
રવિન્દ્ર ૩૦૦ ક્રિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બન્યો છે. તેણે ૧૭૪૨૮મા બોલે પોતાની ૩૦૦મી વિકેટ હાંસલ કરી હતી. તે સૌથી ઓછા બાોલમાં ૩૦૦ વિકેટ લેનારા રવિચંદ્રન અશ્વિન (૧૫૬૩૬) બાદ બીજો બોલર બન્યો છે.
બાંગ્લાદેશની પહેલી ઈનિંગમાં જાડેજાની આ પહેલી વિકેટ હતી. અગાઉ રવિન્દ્ર જાડેજાની ૨૯૯ વિકેટમાંથી ૨૧૬ વિકેટ ટેસ્ટ જીત દરમિયાન આવી હતી. આ રીતે તેનો સફળતા દર ૭૨.૭૪% છે જે ક્રિકેટ ઈતિહાસમાં તમામ સ્પિનર્સમાં સૌથી વધુ છે.
બાંગ્લાદેશની બેટિંગની ૫૦ મી ઓવરમાં સિરાજ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ત્રીજા બોલે લિટન દાસે શોટ ફટકારવાનો પ્રયત્ન કર્યા હતો.
બોલ હવામાં મીડ ઑફ તરફ ગયો હતો. લિટને બોલ પર જોરદાર પ્રહાર કર્યો હોવાથી સામાન્ય રીતે આવા શૉટ પર બોલ ચોગ્ગા માટે જાય છે પરંતુ મિડ ઑફ પર તૈનાત રોહિતે હવામાં ઉછળીને એક હાથે કેચ પકડી લીધો હતો. આ જોઈને બેટર લિટન દાસને ભરોસો જ થઈ રહ્યો ન્હોતો. તે અમુક સેક્નડ સુધી ક્રિઝ પર જ ઉભો રહ્યો હતો.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં એક રૅકોર્ડ તોડી ઇતિહાસ રચી દીધો હતો. આ મેચમાં તેણે ૩૫ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૪૭ રન બનાવ્યા હતા. અડધી સદી ચૂકી ગયો હોવા છતાં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૭ હજાર રન પૂરા કરી નવો કીર્તિમાન સ્થાપી દીધો હતો. આ સાથે કોહલીએ મહાન બેટર સચિન તેંડુલકરનો વર્લ્ડ રૅકોર્ડ તોડી નાખ્યો છે.
હવે કોહલી સૌથી ઝડપી ૨૭ હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર ક્રિકેટર બની ગયો છે. તેણે આ ઉપલબ્ધી ૫૯૪ ઇનિંગ્સમાં મેળવી છે. જ્યારે સચિને આ સિદ્ધિ ૬૨૩ ઇનિંગ્સમાં મેળવી હતી. કોહલીએ સચિન કરતાં ૨૯ ઇનિંગ્સ ઓછી રમીને આ રૅકોર્ડ પોતાના નામે કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૭,૦૦૦ રન કરનાર તે ચોથો બેટર છે.
આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રૅકોર્ડ હજુ પણ સચિનના નામે છે. તેણે ૨૪ વર્ષની કારકિર્દીમાં 664 મેચોમાં કુલ ૩૪,૩૫૭ રન કર્યા હતા. આ યાદીમાં બીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર કુમાર સંગાકારા છે. જેણે ૫૯૪ મેચમાં ૨૮૦૧૬ રન બનાવ્યા છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ૫૬૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૨૭૪૮૩ રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ પોતાની ૫૯૪ મી મેચમાં ૨૭ હજારનો આંકડો પાર કર્યો છે.