ઈરાન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ જવાબી કાર્યવાહી બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઈઝરાયેલે ઈરાનને પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. અહેવાલો અનુસાર અમેરિકા પણ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડને મંગળવારે અમેરિકી સેનાને ઇઝરાયલની મદદ કરવા માટે સૂચના આપી અને ઇરાનની મિસાઇલોને નષ્ટ કરવા પગલાં લીધા છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઇમરજન્સી બેઠક બોલાવી
જ્યારે ફ્રાન્સ અને ઈઝરાયેલની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઈઝરાયેલના યુએન એમ્બેસેડર ડેની ડેનને કાઉન્સિલને લખેલા પત્રમાં ઈરાની હુમલાની નિંદા કરી છે. ઇઝરાયલે ઈરાન પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો અને સુરક્ષા પરિષદને વિનંતી કરી કે તે દેશની નિંદા કરે અને તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કરે.
ઈરાને ઈઝરાયલ પર ઘણી મિસાઈલો છોડી હતી
ઈરાને ઈઝરાયલ પર ઘણી મિસાઈલો છોડી હતી.જેના કારણે ઈઝરાયેલના નાગરિકોને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો હતો. જ્યારે ઈરાનમાં આ હુમલાની ઉજવણી કરવામાં આવી હતી. હુમલાથી સંબંધિત નુકસાન વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ નથી, જોકે ઈઝરાયેલનું કહેવું છે કે તેણે ઘણી મિસાઈલોને નષ્ટ કરી છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તેમની સંરક્ષણ પ્રણાલી ઈઝરાયેલની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી રહી છે.
ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલાની ઉજવણી
ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડે દાવો કર્યો હતો કે તેની ૯૦ % મિસાઈલો ટાર્ગેટ પર પડી છે. ઈરાનના રાજ્ય ટેલિવિઝન પર દર્શાવવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાની મિસાઈલોએ ઈઝરાયેલના હવાઈ અને રડાર બેઝને નિશાન બનાવ્યા હતા જ્યાં વરિષ્ઠ હમાસ અને હિઝબુલ્લાહ અધિકારીઓની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી. ઈરાને એમ પણ કહ્યું કે તેને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સ્વ-રક્ષણનો અધિકાર છે. ઈરાનના વિવિધ શહેરોમાં લોકોએ ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલાની ઉજવણી કરી હતી. જેનું રાજ્ય ટેલિવિઝન પર પ્રસારણ થયું હતું.