તેલંગાણાની કોંગ્રેસ સરકારનાં મંત્રી કોન્ડા સુરેખાના આક્ષેપો પ્રમાણે ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના પ્રમુખ કે.ટી. રામારાવે નાગાર્જુનને ધમકી આપી હતી કે, તેની પૂત્રવધૂ સામંથાને પોતાની પાસે નહીં મોકલે તો નાગાર્જુન બનાવેલું સેન્ટર તોડી પડાશે. નાગાર્જુને સામંથાને કેટીઆર પાસે જવા કહ્યું પણ સામંથા તૈયાર નહોતી. નાગા ચૈતન્ય સામંથાને કેટીઆર પાસે જવા દબાણ કરતો હતો તેથી છેવટે સામંથાએ નાગા ચૈતન્યને ડિવોર્સ આપી દીધા. સુરેખાના કહેવા પ્રમાણે, કેટીઆર ડ્રગ્સનો બંધાણી છે અને સેલિબ્રિટીઝની રેવ પાર્ટીઓ કરે છે. આ રેવ પાર્ટીઓમાં આવતી એક્ટ્રેસના વાંધાજનક સ્થિતીમાં વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરાતી. કેટીઆર એક્ટ્રેસને પોતાની સાથે સૂવાની ફરજ પાડતો.
તેલંગાણાની કોંગ્રેસ સરકારનાં મંત્રી કોન્ડા સુરેખાએ ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના નેતા કે.ટી. રામારાવ સામે કરેલા આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે. કેટીઆર તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો પુત્ર અને ભૂતપૂર્વ ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) મિનિસ્ટર છે. કેસીઆરનો રાજકીય વારસ કેટીઆર બીઆરએસનો કાર્યકારી પ્રમુખ પણ છે. કેટીઆરની બહેન કે. કવિતાને દિલ્હીના લિકર સ્કેમમાં જેલભેગી કરી દેવાયેલી. છ મહિના જેલની હવા ખાધા પછી કવિતા બે મહિના પહેલાં જ જેલની બહાર આવી છે.
સુરેખાએ દાવો કર્યો કે, તેલુગુ-તમિલ ફિલ્મોની ટોચની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના એક્ટર નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સ માટે કેટીઆર જવાબદાર હતો. સુરેખાના દાવા પ્રમાણે, કેટીઆર સામંથા સાથે સેક્સ સંબંધો બાંધવા માગતો હતો તેથી તેના ફોન ટેપ કરાવતો હતો. સામંથા કોઈ રીતે ફસાઈ નહીં ને બ્લેકમેઈલ કરાય એવુ કશું મળ્યું નહીં એટલે કેટીઆરે તેના સસરા નાગાર્જુનને ટાર્ગેટ કર્યો.
નાગાર્જુને હૈદરાબાદમાં એન-કન્વેન્શન સેન્ટર બનાવ્યું છે કે જેમાં ઘણું બંધું ગેરકાયદેસર બાંધકામ કરાયું છે. કેટીઆરે નાગાર્જુનને ધમકી આપી હતી કે, સામંથાને પોતાની પાસે નહીં મોકલે તો આ સેન્ટર તોડી પડાશે. નાગાર્જુને સામંથાને કેટીઆર પાસે જવા કહ્યું પણ સામંથા તૈયાર નહોતી.
નાગા ચૈતન્ય પણ પિતાના કહેવાથી સામંથાને કેટીઆર પાસે જવા દબાણ કરતો હતો તેથી છેવટે સામંથાએ નાગા ચૈતન્યને ડિવોર્સ આપી દીધા. કેટીઆરે પોતાની ધમકીનો અમલ કરીને નાગાર્જુનના સેન્ટર પર હથોડો ચલાવડાવી દીધો હતો.
સુરેખાએ કેટીઆર સામે બીજા પણ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. સુરેખાના કહેવા પ્રમાણે, કેટીઆર ડ્રગ્સનો બંધાણી છે અને એક નંબરનો લફંગો છે. કેટીઆર હૈદરાબાદમાં ફિલ્મી હસ્તીઓ સહિતની સેલિબ્રિટીઝની રેવ પાર્ટીઓ કરે છે કે જેમાં તમામ પ્રકારના આડાઅવળા ધંધા થાય છે. આ રેવ પાર્ટીઓમાં આવતી એક્ટ્રેસના વાંધાજનક સ્થિતીમાં વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરાતી. કેટીઆર એક્ટ્રેસને પોતાની સાથે સૂવાની ફરજ પાડતો.
સુરેખાના કહેવા પ્રમાણે, કેટીઆર હીરોઈનોના ફોન પણ ટેપ કરાવડાવતો હતો ને તેના આધારે હીરોઈનને બ્લેકમેઈલ કરીને પોતાની સાથે સંબધો બાંધવાની ફરજ પાડતો હતો. કેટીઆરે સંખ્યાબંધ હીરોઈનોની જીંદગી બરબાદ કરી નાંખી છે. કેટીઆરના અત્યાચારોના કારણે સંખ્યાબંધ એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને જતી રહી છે અને પરણીને થાળે પડી ગઈ છે.
સુરેખાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. સામંથા, નાગાર્જુન વગેરે તો ઉકળ્યાં જ છે પણ તેલુગુ ફિલ્મના સ્ટાર્સ પણ ઉકળ્યા છે. ચિરંજીવી અને જુનિયર એનટીઆર સહિતના સ્ટારે સુરેખાની કોમેન્ટ્સને સાવ હલકી કક્ષાની ગણાવી છે. કેટીઆરે સુરેખા પોતાના આક્ષેપો પાછા ના ખેંચે તો કેસ ઠોકી દેવાની ધમકી આપી છે. નાગાર્જુન અને સામંથાએ પણ સુરેખાને ઝાટકી છે.
નાગાર્જુનના કહેવા પ્રમાણે, સુરેખા બેફામ જૂઠાણાં ચલાવી રહી છે અને રાજકીય ફાયદા માટે પોતાના પરિવાર પર કાદવ ફેંકી રહી છે. સામંથાએ પણ પોતાનું નામ કોઈ પણ વિવાદમાં ઘસડવા સામે ચેતવણી આપીને સ્પષ્ટતા કરી છે કે, નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સ અંગત કારણોસર થયેલા, નાગા ચૈતન્ય અને સામંથા ૨૦૧૭માં પરણેલાં પણ ૨૦૨૧માં બંનેએ અલગ રહેવાની જાહેરાત કરી હતી.
સામંથાના ચાહકો પણ તૂટી પડયા પછી સુરેખાએ સામંથાની માફી માગી છે. સામંથા પોતાની તાકાત પર એક્ટ્રસ તરીકે સ્થાપિત થઈ હોવાથી તે પ્રેરણારૂપ હોવાનું કહીને સુરેખાએ પોતાની કોમેન્ટના કારણે સામંથાના ચાહકોને દુઃખ પહોંચ્યું હોય તો એ બદલ માફી માગી છે પણ કેટીઆર સામેના આક્ષેપો પાછા ખેંચ્યા નથી.
બલ્કે કેટીઆર સામેના આક્ષેપોના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવાનું પણ ટાળ્યું છે. ઉલટાનું સુરેખાએ તો કહ્યું છે કે, બીઆરએસના કાર્યકરો સોશિયલ મીડિયા પર મારી સામે ગંદી કોમેન્ટ્સ કરે છે, મને બદનામ કરે છે પણ તેમણે કેટીઆરનાં કરતૂતો પર ધ્યાન આપવાની જરૂર છે.
કેટીઆર સુરેખા સામે બદનક્ષીનો કેસ કરે છે કે નહીં એ જોવાનું રહે છે પણ આ આક્ષેપોના કારણે કેટીઆરની ખરાબ ઈમેજને વધારે ખરાબ કરી છે તેમાં શંકા નથી. કેસીઆર ૨૦૧૩માં તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું ત્યારે પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. કેસીઆર સળંગ દસ વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને એ દરમિયાન તેમણે ભયંકર પરિવારવાદ ચલાવ્યો. તેમનો દીકરો કેટીઆર, દીકરી કે. કવિતા, ભત્રીજો ટી. હરીશરાવ વગેરે સત્તામાં તો ગોઠવાઈ જ ગયેલાં પણ બેફામ ભ્રષ્ટાચાર પણ કર્યો. કવિતા તેલંગાણામાં લિકર લોબી અને રીયલ એસ્ટેટ સાથે ડીલ કરતી જ્યારે કેટીઆર આઈટી સેક્ટર અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્ર સંભાળતો હતો. બંનેએ પોતપોતાનાં સેક્ટરનાં લોકોને ખંખેરવામાં કશું બાકી જ નહોતું રાખ્યું. કેટીઆર તો આઈટી સેક્ટર પાસેથી ખંડણી જ ઉધરાવતો એવું કહેવાય છે. આ ભ્રષ્ટાચારના કારણે તેલંગાણામાં લોકો કંટાળી ગયાં ને તેમાં જ તેલંગાણામાં કોંગ્રેસને તક મળી ગઈ. હાલના તેલંગાણાના મુખ્યમંત્રી રેવંથ રેડ્ડી પહેલાં કેસીઆરની પાર્ટીમાં હતા. કેટીઆર સામે ગંભીર આક્ષેપો કરનારાં સુરેખા કોન્ડા પણ કેસીઆરની પાર્ટીમાં જ હતાં. સુરેખા કોન્ડાના પતિ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ ભ્રષ્ટાચારના કારણે કેસીઆરનો પરિવાર અત્યંત વગોવાયેલો હતો જ પણ સુરેખાએ કેટીઆરને ડ્રગ્સ, સેક્સ, બ્લેકમેઈલિંગ સાથે જોડીને તેની વ્યક્ગિતત ઈમેજને પણ જોરદાર ફટકો માર્યો છે. ભારતમાં રાજકારણીઓના ભ્રષ્ટાચારને લોકો ઝડપથી ભૂલી જાય છે પણ ડ્રગ્સ, સેક્સ વગેરેની વાતો જલદી ભૂલાતી નથી તેથી કેટીઆરે આ આક્ષેપોનું કલંક ભૂંસવા બહુ મહેનત કરવી પડશે. પહેલાં વિધાનસભા ને પછી લોકસભાની ચૂંટણીમાં કારમી હારના પગલે ભારત રાષ્ટ્ર સમિતી અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારી રહી છે ત્યારે આ આક્ષેપો મરણતોલ સાબિત થશે.
રકુલ-કેટીઆર પેન્ટહાઉસમાં નિયમિત મળતાં, સામંથા-સાનિયા સાથે પણ નામ જોડાયું
કે.ટી. રામારાવના સાઉથની એક્ટ્રેસીસ સાથેના સેક્સ સંબંધોની વાત નવી નથી. સામંથા અને રકુલ પ્રિત સિંહ સાથે કેટીઆરના સંબધો હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે. રકુલ પ્રિત સિંહને કેટીઆરની મહેરબાનીથી મોટાં બેનરોની ફિલ્મો મળવા માંડી અને તેલુગ સિનેમામાં ટોચની એક્ટ્રેસ બની ગઈ એવું કહેવાય છે. રકુલ અને કેટીઆર હૈદરાબાદના પોશ વિસ્તારમાં આવેલા લોધા બિલ્ડર્સે બનાવેલી બિલ્ડિંગના પેન્ટહાઉસમાં રોજ મળે છે એવા સમાચાર છેક ૨૦૧૭માં તેલુગુ મીડિયામાં છપાયા હતા.
સામંથા પહેલી ફિલ્મથી જ સફળ એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ ગઈ હતી તેથી તેને કેટીઆરની લાગવગની જરૂર નહોતી પણ સામંથા સાથે પણ કેટીઆરનું અફેર હોવાનું કહેવાય છે. સામંથાની પહેલી ફિલ્મનો હીરો નાગા ચૈતન્ય હતો તેથી બંને વચ્ચે ૨૦૧૦થી જ અફેર શરૂ થઈ ગયેલું. આ કારણે કેટીઆર સાથેના તેના સંબંધોની વાતો આધારભૂત નથી લાગતી પણ કેટીઆર સામંથા પાછળ હાથ ધોઈને પડેલો એ વાત સાચી છે.
કેટીઆરના પિતા કેસીઆર મુખ્યમંત્રી હતા ત્યારે કેટીઆર સંખ્યાબંધ એક્ટ્રેસ સહિતની સેલિબ્રિટીઝના ફોન ટેપ કરાવતો હતો. રકુલ અને સામંથાના ફોન પણ ટેપ થતા હતા તેથી કેટીઆર સાથે સામંથાનું નામ જોડાઈ ગયું. કેટીઆરે સાનિયાની ટેનિસ એકેડમી માટે સરકારની તિજોરીમાંથી ૨ કરોડ રૂપિયા આપ્યા હતા તેથી કેટીઆરનું નામ સાનિયા મિર્ઝા સાથે પણ જોડાયું હતું. પવન કલ્યાણ સામે કાસ્ટિંગ કાઉચના આક્ષેપો કરનારી એક્ટ્રેસ શ્રી રેડ્ડી સાથેની કેટીઆરની નિકટતા પણ ચર્ચાનો વિષય બની હતી.
કેટીઆરના પરિવારે ૪ લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, કેટીઆર-કવિતા સૂત્રધાર
તેલંગાણામાં ગયા વરસે પ્રજાએ કે. ચંદ્રશેખર રાવ ઉર્ફે કેસીઆરને ૧૦ વર્ષના શાસન પછી ઘરભેગા કરી દીધા હતા. રાજકીય વિશેલેષકો કેસીઆરને ભારતના સૌથી ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી ગણાવે છે કેમ કે કેસીઆરના શાસનમાં ૪ લાખ કરોડ રૂપિયા ઘરભેગા કરાયા હોવાનું કહેવાય છે. આ ભ્રષ્ટાચારમાં કેસીઆરનો દીકરો કેટીઆર અને દીકરી કવિતા મુખ્ય સૂત્રધાર હતાં.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા(કેગ)ના રીપોર્ટમાં કેસીઆર સરકારે કાલેશ્વરમ ઇરીગેશન લિફ્ટ ઈરિગેશન સ્કીમમાં ૧ લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ધડાકો કરાયેલો. આ ધડાકાના કારણે લાગેલા આઘાતની કળ વળે એ પહેલાં કેગના રીપોર્ટની બીજી વિગતો બહાર આવી હતી.
આ વિગતો પ્રમાણે, કેસીઆરે ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨નાં ૮ વર્ષના ગાળામાં ૨.૮૯ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો એ માટે વિધાનસભાની મંજૂરી જ લીધી નથી.
રાજ્ય સરકાર બજેટમાં ખર્ચની જે જોગવાઈઓ કરે તેને વિધાનસભામાં મંજૂરી મળે છે. બજેટની જોગવાઈઓ સિવાય જે વધારાનો ખર્ચ સરકાર કરે તેને. ચર્ચા માટે પબ્લિક એકાઉન્ટ કમિટી (પીએસી)માં મૂકાય. પીએસીમાં ચર્ચા પછી આ ખર્ચને હિસાબમાં લઈ લેવાય એ નિયમ છે. કેસીઆરની સરકારે આ નિયમન ઐસીતૈસી કરી નાંખી. કેગના રીપોર્ટ પ્રમાણે, પીએસીની બેઠક પાંચ વાર મળી પણ કેસીઆર સરકારે પોતે કરેલા બજેટ સિવાયના ખર્ચની વિગતો તેની સામે મૂકવાની તસદી પણ નહોતી લીધી.