અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં NIC અંતર્ગત કામગીરી કરવામાં આવે છે. પરંતુ ગતરોજથી રાજ્યભરમાં ટેક્નિકલ કારણોસર આરટીઓનું સર્વર ડાઉન થઈ ગયું છે.
આરટીઓનું સર્વર ડાઉન ના કારણે હજારો લોકોએ ધક્કો પડી રહ્યો છે. આજ રોજ પણ અરજદારોની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી. હાલ પણ આરટીઓ ડ્રાઈવિંગની કામગીરી બંધ કરવામાં આવી છે. હાલ અમદાવાદ આરટીઓના તમામ ગેટ બંધ કરી દેવાયા છે. અમદાવાદની ત્રણ આરટીઓમાં ૫૦૦ જેટલા અરજદારોની અરજી રદ કરી દેવાઈ છે. લોકો રજા લઈને, કામ-ધંધા બંધ રાખીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે આવતા હોય છે. પરંતુ દરવખતની જેમ ફરી આરટીઓનું સર્વર ડાઉન હોવાનું સામે આવ્યું છે. અનેક વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી છતાં આરટીઓના ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. હાઈટેક ગુજરાતની વાતો માત્ર બણગા સમાન રહી ગઈ છે. કારણ કે, હજારો વખત આરટીઓનું સર્વર બંધ થાય છે પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ લવાયું નથી.