મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સેમીફાઈનલની રેસમાં રહેવા માટે ભારતીય ટીમે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે.
મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ૨૦૨૪ ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે ૫૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા માટે હવે સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ટીમ ઈન્ડિયા હવે પોતાની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ ભારતીય ટીમ માટે ‘કરો યા મરો’થી ઓછી નથી. ભારતીય ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટે તેની બાકીની ત્રણ મેચ જીતવી પડશે. જો કે પાકિસ્તાન સામે ભારતીય ટીમના આંકડા ઘણા પ્રભાવશાળી છે.
ભારતનો નેટ રન રેટ સારો નથી અને હવે તેણે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની મેચો કોઈપણ ભોગે જીતવી પડશે. જો ભારતીય ટીમ આમ કરવામાં સફળ નહીં થાય તો તેમની આશાઓને મોટો ફટકો પડી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાના અભિયાનને પાટા પર લાવવાની નજરે જોશે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ હારી ગઈ હતી.
આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ પાકિસ્તાનની ટીમ પર પ્રભુત્વ જમાવી રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ૧૫ ટી-૨૦ મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે ૧૨ મેચ જીતી છે અને પાકિસ્તાની ટીમ માત્ર ૩ મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો મહિલા ટી-૨૦ વર્લ્ડ કપમાં કુલ ૭ વખત આમને-સામને આવી ચુકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ૫ વખત હરાવ્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમને માત્ર બે વખત જ જીત મળી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે રમાનારી આ મેચમાં ભારતીય ટીમનો દબદબો રહેવાની શક્યતા છે.