વર્ષ ૨૦૦૫ પહેલાના ફિક્સ પગાર કર્મચારીઓને મળશે OPSનો લાભ.
ગુજરાત સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લાંબા સમયથી સરકાર અને કર્મચારી સંગઠન વચ્ચે ચાલી રહેલી જુની પેન્શન યોજના(OPS)અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સરકારે વર્ષ ૨૦૦૫ પૂર્વે ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયેલા ૬૦,૨૪૫ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે.
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આ સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી. જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે.
નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તારીખ ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા ૬૦ હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે તારીખ ૦૧/૦૪/૨૦૧૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક ૦૧/૦૪/૨૦૧૫ પછી થઇ હોય અથવા તા. ૦૧/૦૪/૨૦૧૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૧૫ પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત ૬૦,૨૪૫ જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના ૫ કે ૧૦ % આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.
મુખ્યમંત્રીની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. જુની પેન્શન યોજના સિવાયના નિર્ણયોમા રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક આશરે રૂપિયા ૨૦૦ કરોડથી વધુની રકમનું ભારણ પડશે.